Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વડોદરામાં તસ્કરોનો તરખાટ:બંધ ઘરને નિશાન બનાવી 1.10 લાખની તસ્કરી કરી ગઠિયા છૂમંતર.......

વડોદરા:શહેરમાં તસ્કરો દિન-પ્રતિદિન ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ સામે પડકારો ફેંકી રહ્યા છે. તેવામાં માંજલપુર વિસ્તારમાં વધુ એક બંધ મકાનને નિશાન બનાવી 1.10 લાખની કીમતી મત્તા ચોરી અજાણ્યા તસ્કરો નાસી છૂટયા હોવાનો બનાવ સામે આવ્યો છે. નવાઈની વાત તો એ છે કે, તસ્કરોને બાઈકની ચાવી હાથે લાગતા તેઓ પાર્કિંગમાંથી બાઈક પણ ચોરી ગયા હતા.

શહેરના માંજલપુર વિસ્તારમાં સરસ્વતી ચાર રસ્તા નજીક આવેલ પિંક એવન્યુ ખાતે રહેતા પ્રણવકુમાર દરજી ખાનગી કંપનીમાં નોકરી કરે છે.  17 મી એપ્રિલના રોજ તેઓ મકાનને તાળું મારી પરિવાર સાથે આણંદ ખાતે સાસરીમાં ગયા હતા. દરમિયાન પાડોશીએ જાણ કરી હતી કે, દરવાજાનું તાળું તૂટેલું છે અને ચોરી થયાની આશંકા છે. જેથી તેઓ પરત વડોદરા દોડી આવ્યા હતા. ઘરમાં પ્રવેશતા સરસામાન વેરવિખેર નજરે ચડયો હતો અને તિજોરીનુ લોકલ તૂટેલું હતું. બેઠકરૂમમાં રાખેલી મોટરસાયકલની ચાવી પણ ગાયબ હતી. તપાસ કરતાં અજાણ્યા તસ્કરો સોનાની વિટી, સોનાનું મંગળસૂત્ર ,સોનાની બુટ્ટી, ચાંદીના સિક્કા, રોકડા રૂપિયા 30 હજાર તથા પાર્કિંગમાંથી યામાહા બાઈક મળી મળી કુલ 1.10 લાખની ચોરી કરી નાસી છુટયો હોવાનું બહાર આવ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે માંજલપુર પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:34 pm IST)