Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સુરતના વડોદ ગામે 4 વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર ત્રણ સંતાનના નરાધમ પિતાની પોલીસે ધરપકડ કરી

સુરત: સુરતના વડોદ ગામ વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે જધન્ય કૃત્ય થયાની જાણ થતા દોડતી થયેલી પાંડેસરા પોલીસે માસુમનું અપહરણ કરી પોતાના રૂમમાં લઇ જઇ દુષ્કર્મ કરનાર નરાધમ એવા બે પુત્રી સહિત ત્રણ સંતાનના પિતાની ધરપકડ કરી છે. પત્ની અને સંતાનો બજારમાં ગયા હતા ત્યારે બિલ્ડીંગના પાર્કીંગમાં રમી રહેલા પરિચીત પોતાની સાથે રૂમમાં લઇ ગયો હતો. પાંડેસરા નજીકના વડોદ ગામમાં વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 4 વર્ષની બાળકી સાથે વધુ એક દુષ્કર્મની ઘટના બનવા પામી છે. વડોદ આવાસ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 4 વર્ષની નિશા (નામ બદલ્યું છે) પાર્કીંગમાં રમી રહી હતી. જયારે તેની માતા નજીકમાં કપડા ધોઇ રહી હતી. તે દરમિયાન પાણીના કેરબા ઉંચકવાની મજૂરી કામ કરતો અજય રમણ પટેલ (ઉ.વ. 40 હાલ રહે. રૂમ નં. 4 બિલ્ડીંગ નં. 34, વડોદ આવાસ અને મૂળ રહે. રામનગર, આણંદ) નીશાને તેની માતાની જાણ બહાર પોતાની રહેણાંક રૂમમાં લઇ ગયો હતો. જયાં માસુમ સાથે દુષ્કર્મ કર્યા બાદ નરાધમ અજય તેને પરત મુકવા આવ્યો હતો. પોતના ઘરે પાણીનો કેરબો મુકવા આવતા અજયથી નીશાની માતા પરિચીત હતી અને અજયની સાથે પુત્રીને જોઇ તે ચોંકી ગઇ હતી. માતાને શંકા જતા નીશાને ઘરે લઇ ગયા બાદ તેની પૂછપરછ કરતા નીશાએ પોતાની સાથે થયેલા કૃત્યની જાણ કરી હતી. માતાએ આ અંગેની જાણ નીશાના પિતાને કર્યા બાદ ગત રાતે પોલીસને જાણ કરી હતી. પોલીસે તુરંત જ અજયની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અજય પરિણીત છે અને સંતાનમાં 13 વર્ષનો મોટો પુત્ર અને 11 વર્ષની બે જુડવા પુત્રી છે. હાલમાં વધુ તપાસ પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઇ અલ્પેશ ચૌધરી કરી રહ્યા છે. 

(5:33 pm IST)