Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ઠાસરાના સૈયદવાડામાં ઉભરાતા ગટરના પાણીથી લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

ઠાસરા : ઠાસરા શહેરના સૈયદવાડામાં છેલ્લાં બે મહિનાથી ગટરના પાણી ઉભરાઇ રહ્યાછે. જેને કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આ માટે લેખિત અને મૌખિક અનેક રજૂઆતો સ્થાનિક સંબંધિત કક્ષાએ કરવામાં આવેલ છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી ન હાલતું હોય એમ સમસ્યા ઠેરની ઠેર છે. 

ઠાસરા નગરના વોર્ડ નં. ૧માં આવેલા નાના સૈયદવાડાના પાછળના ભાગે છેલ્લાં બે મહિનાથી ગટરના પાણી જાહેર રસ્તા પર ઉભરાઇ રહ્યા છે. જેને કારણે વાતાવરણમાં ચોવીસ કલાક અસહ્ય દુર્ગંધ ફેલાયેલી રહે છે. જેને કારણે આ વિસ્તારના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ સમસ્યા અંગે નગરપાલિકાના સત્તાધીશોને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે. પરંતુ છેલ્લાં બે મહિનાથી ઉભરાઇ રહલે ગટરના ગંદા પાણી બંધ થતા નથી. આથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.  પાલિકાના આ વોર્ડના કાઉન્સીલર અને સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ છેલ્લાં બે મહિનાથી પાલિકાના સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરી છે. પરંતુ બહેરા કાન સાંભળતા જ નથી. વળી સફાઇ કરવાવાળા વાહનો ગટર જ્યાંથી ઉભરાઇ રહી છે ત્યાં જઇ શક્તા નથી. અને જે વાહનો ત્યાં જઇ શકે છે તે નગરપાલિકાના કમ્પાઉન્ડમાં બંધ હાલતમાં પડેલા છે. અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ગટરના ગંદા પાણીને કારણે  રોગચાળો ફેલાવવાની ભીતિ પણ રહીશોને સતાવી રહી છે.  સત્વરે ગટરનું ગંદુ પાણી નીકળતું બંધ થાય અને સમારકામ કરાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

(5:31 pm IST)