Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

આણંદ:ખંભાતમાં કોમી તોફાનમાં પથ્થરમારો કરનાર વધુ પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી

આણંદ : ખંભાત ખાતે થયેલ કોમી તોફાનોમાં ૯ શખ્સોની ધરપકડ બાદ શનિવારે પથ્થરમારામાં સંડોવાયેલ વધુ ૫ શખ્સોને રાઉન્ડઅપ કરી તે પૈકીના બેની પોલીસે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ખંભાત ખાતે રામનવમી પર્વના દિવસે થયેલ તોફાનોમાં કુલ ૫૭ વ્યક્તિઓ સામે નામજોગ ફરીયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસ દ્વારા અન્ય શખ્સોની હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

રામનવમી પર્વ નિમિત્તે ખંભાતના શક્કરપુર ખાતેથી નીકળેલ શોભાયાત્રા ઉપર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે થયેલ આ પથ્થરમારામાં ખંભાતના એક આધેડનું મૃત્યુ  પણ નીપજ્યું હતું. શક્કરપુર બાદ શહેરના સરદાર ટાવર વિસ્તારમાં પણ તોફાનીઓએ આગચંપી કરી હતી. ખંભાત શહેર પોલીસે આ બનાવ અંગે બે અલગ અલગ ફરિયાદ નોંધી ત્રણ મૌલવી સહિત ૯ શખ્સોની ધરપકડ કરી હતી. તેઓને કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મળ્યા હતા. રિમાન્ડ દરમ્યાનની પૂછપરછમાં આ સમગ્ર ઘટના પૂર્વઆયોજિત કાવતરું હોવાનું ખૂલવા પામ્યું હતું. રિમાન્ડ દરમ્યાન અન્ય કેટલાકના નામ પણ ખૂલવા પામતા પોલીસે ગત શનિવારના રોજ પાંચ શખ્સોને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરતા તે પૈકીના જમશેદખાન જોરાવરખાન પઠાણ અને માજીદ ઉર્ફે માજલો મલેક આ ઘટનામાં સંડોવાયેલ હોવાનું ઉજાગર થતા પોલીસે બન્નેની વિધિવત્ ધરપકડ કરી હતી. 

(5:29 pm IST)