Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

મહેસાણા જિલ્લાએ સ્‍વચ્‍છ ભારત મિશનમાં ડંકો વગડાવ્‍યો : એમ.વાય.દક્ષિણીના કાર્યની કદર

તત્‍કાલીન ડી.ડી.ઓ દક્ષિણી અને વર્તમાન કલેકટર અગ્રવાલ ગુરૂવારે એવોર્ડ સ્‍વીકારશે

રાજકોટ,તા. ૧૯: સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામિણ- ૨૦૨૦માં દેશભરના ૬૬૯ જિલ્લાઓએ ભાગ લીધો હતો. જે પૈકી મહેસાણા જિલ્લાએ દેશભરમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યુ છે. ૨૧ એપ્રિલે નવી દિલ્‍હી ખાતે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા મહેસાણા જિલ્લાના તત્‍કાલીક ડીડીઓ અને હાલ આણંદ કલેકટર શ્રી એમ.વાય.દક્ષિણી અને હાલના કલેકટર ઉદિત અગ્રવાલને ટ્રાફી આપી એવોર્ડ અપાશે. તેમજ જિલ્લાના વિકાસ માટે રૂા. ૧૦ લાખનું ઇનામ અપાશે.
૨૦૨૦માં યોજાયેલા સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામિણ અભિયાનમાં દેશભરના ૬૬૯ જિલ્લાઓમાં ભાગ લીધો હતો. તમામ જિલ્લાઓની કામગીરી કેન્‍દ્રના ગ્રામ વિકાસ વિભાગ સાથે અન્‍ય ૨ વિભાગોએ જોયા બાદ કેન્‍દ્રના કેબિનેટ સેક્રેટરીની કમિટીમાં પસંદ કરાયેલા જિલ્લાઓની કામગીરી જોવાઇ હતી. જેમાં મહેસાણા જિલ્લા દ્વારા વ્‍યકિતગત અને સામુહિક શૌચાલય તેમજ કંમ્‍પોસ્‍ટ પોસ્‍ટની કામગીરી ઉપર તમામ પંચાયત ઘરની બહાર મહિલા અને પુરૂષ અરજદારો માટે બનાવેલા ટોયલેટની કામગીરીને ધ્‍યાને રાખી મહેસાણા જિલ્લાને દેશભરમાં પ્રથમ સ્‍થાન મળ્‍યુ છે.
મહેસાણા જિલ્લાને વર્ષ ૨૦૧૮-૧૯માં પોષણ અભિયાનનો રાષ્‍ટ્રીય કક્ષાનો પ્રથમ એવોર્ડ મળ્‍યો હતો. તેમજ સ્‍વચ્‍છતા દર્પણમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૦ સુધી સતત વર્ષ સુધી રાષ્‍ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્‍યો છે.
રાજ્‍યના તમામ પંચાયત ઘર આગળ અરજદારો માટે અલાયદા ટોયલેટ બનશે
સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામિણ -૨૦૨૦ અંતર્ગત મહેસાણા જિલ્લાના તત્‍કાલીન ડીડીઓ એમ.વાય.દક્ષિણીએ જિલ્લાની ૬૦૫ ગ્રામ પંચાયતોમાં અરજદારો માટે મહિલા અને પુરૂષના અલાયદા ટોયલેટ બનાવ્‍યા હતા. તેમની આ કામગીરીની રાજ્‍ય અને કેન્‍દ્ર કક્ષાએ નોંધ લેવાઇ છે અને હવે રાજ્‍યના તમામ પંચાયત ઘર આગળ ટોયલેટ ઉભા કરાશે.

 

(11:48 am IST)