Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતેથી રાજ્યભરના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા સીઆરસી કો-ઓર્ડિનેટર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ઈ-સંવાદ

પ્રધાનમંત્રીશ્રીના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા સીઆરસી કો-ઓર્ડિનેટર સાથે સંવાદના મુખ્ય અંશો

ગાંધીનગર : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના સૌ પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતેથી અનુપમ પ્રાથમિક શાળા, ખેરોજના મુખ્ય શિક્ષિકા રાજશ્રીબેન પટેલ, ધોરણ-7ની વિદ્યાર્થિની અશરુફા બહાન યુનુસભાઈ, સીઆરસી કો-ઓર્ડિનેટર જયેશભાઈ પટેલ સાથે, કચ્છ જિલ્લાની વાંકી પ્રાથમિક શાળાનાં એસએમસીનાં સભ્ય કલ્પનાબેન રાઠોડ, વિદ્યાર્થિની પૂજાબા તેમજ મુખ્ય શિક્ષક શ્રી નારાયણભાઈ ગોયલ સાથે, જ્યારે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાની ઉંટાવદ ગામની કેજીબીવીના શિક્ષિકા દર્શનાબેન કારેલિયા તેમજ ધોરણ-10ની વિદ્યાર્થિની તન્વી વસાવા સાથે ઈ-સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીશ્રીએ આ સંવાદ દરમિયાન કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ અને ટેક્નોલૉજી આધારિત આધુનિક શિક્ષણ પ્રણાલી જેવી કે દીક્ષા પોર્ટલ, જી-શાળા એપના ઉપયોગ થકી શૈક્ષણિક કાર્યમાં આવેલી સરળતા અને બાળકોમાં નવું શીખવાની ધગશ અને ઉત્સાહને વિકસાવવા અંગે વિગતવાર સમજણ આપી હતી.


વડાપ્રધાનશ્રી મોદીએ નવી ટેક્નોલૉજી સાથે તાલ મિલાવવા અને શિક્ષકોની સજ્જતા અંગે જાણકારી મેળવતા પૂછ્યું કે વિદ્યાર્થીઓની નવી પેઢીને ટેક્નોલૉજીમાં રસ હોય એ સ્વાભાવિક છે, પરંતુ શિક્ષકો માટે આ નવી પદ્ધતિથી કામગીરીમાં કેવી અને કેટલી સરળતા આવી છે? અને શિક્ષણનો ભાર કેવી રીતે હળવો થયો છે? તેની માહિતી મેળવી હતી.


પ્રધાનમંત્રીશ્રીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા કરવામાં આવતી આ કામગીરી અંગે પૃચ્છા કરતાં કહ્યું કે શું આ જ ટેક્નોલૉજીનો ઉપયોગ પોષણ અભિયાન સાથે જોડીને વિદ્યાર્થીઓમાં પોતાના ખોરાક અને તેમાં રહેલા પોષક તત્ત્વો વિશે દૈનિક કે સાપ્તાહિક ચાર્ટના માધ્યમથી જાગૃતિ લાવી શકાય છે કેમ? તેનું મૂલ્યાંકન પણ કરવું જોઈએ. આ સંદર્ભે પ્રધાનમંત્રીશ્રીએ તેમની કૅનેડાની મુલાકાત દરમિયાન પોષણ અંગે ટેક્નોલૉજી આધારિત  કિયોસ્ક મશીન અંગે થયેલા અનુભવો પણ વ્યક્ત કર્યા હતા.


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે આજે ટેક્નોલૉજી સરળ છે, પરંતુ તેના કારણે પ્રત્યક્ષ શિક્ષણને અસર ન પહોંચે એ પણ એટલું જ જરૂરી છે. એટલા માટે વિદ્યાર્થીઓનો એકબીજા સાથેનો અને શિક્ષકો સાથેનો રૂબરૂ સંપર્ક જળવાઈ રહે એ પણ એટલું જ જરૂરી છે. આ માટે બાળકોને રમતગમત અને સમૂહજીવન માટે પ્રોત્સાહિત કરતાં રહેવા પર ભાર મૂક્યો હતો.


પ્રધાનમંત્રીશ્રી મોદીએ કચ્છના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરતા કહ્યું હતું કે અભ્યાસમાં સ્થાનિક ભાષા અવરોધરૂપ ન બને તેનો પણ યોગ્ય ઉકેલ શોધવો જોઈએ તે માટે તેમણે મહેસાણી અને કચ્છી ભાષાનું ઉદાહરણ આપ્યું હતું.

તેમણે તમામ શિક્ષકોને સંબોધીને કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી શિક્ષણ નીતિમાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં રમતગમત અને શારીરિક શિક્ષણને પણ મુખ્ય પ્રવાહ સાથે વણી લેવામાં આવ્યા છે.


આ તકે વડાપ્રધાનશ્રીએ વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું કે આ નવી નીતિમાં રમતગમતને હવે વધારાની પ્રવૃત્તિ-એક્સ્ટ્રા એક્ટિવિટી નહીં, પરંતુ મુખ્ય શિક્ષણનો જ એક ભાગ તરીકે સ્વીકારવામાં આવી છે.


વડાપ્રધાનશ્રીએ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાની ઊંટાવદની કેજીબીવીના શિક્ષિકા દર્શનાબેન કારેલિયા સાથે સંવાદ દરમિયાન તાપી જિલ્લામાં કનેક્ટિવિટી તેમજ વિજ્ઞાનપ્રવાહની શાળાઓની સંખ્યા, વિદ્યાર્થીઓનો તબીબી અને વિજ્ઞાનમાં રુચિ અંગે પૃચ્છા કરી હતી. તેમણે ઉમેર્યું કે વર્ષ-2002 પહેલાં આ વિસ્તારમાં વિજ્ઞાનપ્રવાહની એક પણ શાળા નહોતી, જ્યારે આજે વિજ્ઞાનપ્રવાહની અનેક શાળાઓ ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રીશ્રીની વાતને સમર્થન આપતા કેજીબીવીની ધોરણ-10ની વિદ્યાર્થિની તન્વી વસાવાએ જણાવ્યું કે વિજ્ઞાનપ્રવાહની શાળાઓના પરિણામે અમારું ડૉક્ટર બનવાનું સપનું પણ સાકાર થશે.

આ તકે વડાપ્રધાનશ્રીએ દાહોદ જિલ્લાની વાત કરતાં જણાવ્યું કે શૈક્ષણિક રીતે પછાત ગણાતા જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ગણિત સહિતના વિષયોમાં વધુ રસ લેતા થયા છે અને તેમનું શૈક્ષણિક સ્તર ઊંચું આવ્યું છે.

પ્રધાનમંત્રીશ્રીએ ભારતભરના આકાંક્ષી જિલ્લાઓ વચ્ચે નંબર-1 બનવાની સ્પર્ધાઓનું ઉદાહરણ આપીને ગુજરાતમાં પણ તાલુકા સ્તરે આ પ્રકારે વિવિધ વિષયોમાં સાપ્તાહિક સ્પર્ધાઓ થતી રહેવા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાનશ્રીએ સમગ્ર સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓ દીક્ષા પોર્ટલનો કેટલો અને કેવી રીતે ઉપયોગ કરે છે? તેની પણ માહિતી મેળવી હતી.

પ્રધાનમંત્રીશ્રી સાથેના સંવાદ દરમિયાન અંબાજીની ખેરોજ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા રાજશ્રીબેન પટેલે જણાવ્યું કે આજે ટેક્નોલૉજી થકી શિક્ષણ વધુ સરળ બન્યું છે. કોવિડની પરિસ્થિતિના કારણે લોકડાઉનમાં ભલે શાળાઓ બંધ હતી, પરંતુ શિક્ષણ તો ચાલુ જ હતું. દીક્ષા પ્લેટફોર્મ અને જી-શાળા એપ થકી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વધુ સરળ બન્યું છે. જ્યારે કચ્છના વાંકી પ્રાથમિક શાળાના એસએમસી સભ્ય કલ્પનાબેન રાઠોડે જણાવ્યું કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કાર્યરત થવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની નિયમિતતા વધી છે.

(10:23 pm IST)