Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ગેસ સીલીન્ડર પર રૂપિયા 25ના વધારાને કોંગ્રેસે પ્રજા પર મોંઘવારીનો વધુ એક ઘા સમાન ગણાવ્યો

આઠ મહિનામાં ઘરેલું ગેસ સીલીન્ડરમાં 165.50 રૂપિયા વધાર્યા : રાજ્યના 10 લાખ એલ.પી.જી. ગેસ કનેકશન ધરાવતાં સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો પર મોંઘવારીનો માર

અમદાવાદ : રાજયના 10 લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને મોંઘવારીનો માર પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ આકરા પ્રહાર કર્યા હતા. ડો. દોશીએ જણાવ્યું હતું કે, મંદી – મોંઘમારી અને મહામારીમાં સપડાયેલ પ્રજા પર મોંઘવારીનો વધુ એક ઘા ગેસ સીલીન્ડરમાં રૂ. 25નો જંગી વધારો અને છેલ્લા આઠ મહિનામાં ઘરેલુ ગેસ સીલીન્ડરમાં રૂ. 165.50ના ભાવ વધારાથી ગેસ સીલીન્ડર રૂ. 900ની નજીક પહોંચી ગયુ છે. 2014માં કોંગ્રેસ સરકારમાં ગેસ સીલીન્ડરનો ભાવ રૂ. 434 હતો જે ભાજપ સરકારે બમણાથી પણ વધુ મોંઘો કરીને સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવાનુ મુશ્કેલ બનાવી દીધુ છે.

ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી ગાયબ કરીને દેશના 95% લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા છે. વર્ષ 2020-21 ના કેન્દ્રીય બજેટમાં LPG સિલિન્ડર માટે રૂ.40,915 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેની સામે વર્ષ 2021-22 ના બજેટમાં LPG સિલિન્ડર સબસીડી માટે માત્ર રૂ.12,995 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે રૂ.27,920 કરોડનો સીધો બોજો લોકો ઉપર નાંખવામાં આવ્યો છે.

મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ વધુમાં કહ્યું કે, ભાજપ સરકારે સાત વર્ષમાં કેન્દ્રીય વેરામાં પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 23.27 અને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. 28.37 સતત વધારો ઝીક્યો છે. ભાજપ સરકારે વધારાના 17.29 લાખ કરોડ પ્રજાના ખિસ્સામાંથી સેરવી લીધા છે. એક્સાઈઝ ડ્યુટીમાં સાત વર્ષમાં પેટ્રોલ – ડીઝલ પર સતત વધારો કરીને પ્રજાના ખિસ્સામાંથી રૂ. 22,33,868 કરોડ વસુલી લીધા છે.

કોરોના સમયમાં વર્ષ 2020-21માં પેટ્રોલ – ડીઝલ પર કેન્દ્ર સરકારે ટેક્ષ પેટે રૂ. 4,53,812 કરોડ જેટલી જંગી રકમ વસુલીને પ્રજાની હાડમારીમાં પારાવાર મુશ્કેલીમાં વધારો કરીને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે. પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડરના વધતા ભાવો માટે આંતરાષ્ટ્રીય બજારને જવાબદાર ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી છે. શું આ સબસીડી ઉપર કાપ પણ આંતરાષ્ટ્રીય બજારે મુક્યો છે ? શું સરકારનું કામ માત્ર ટેક્સ ઉઘરાવવાનું છે, લોકોને રાહત આપવાની કોઈ જવાબદારી નથી ? તેવા સવાલો કર્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, મંદી, મોંઘવારી, અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપીંડીનો ભોગ બની રહી છે. અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. દેશના જીડીપી વધારવાનો વાયદો કરનાર ભાજપ સરકારમાં જીડીપીમાં સતત ઘટાડો અને ગેસ (G), ડીઝલ (D), પેટ્રોલ (P) સતત ભાવ વધારાથી પ્રજા પરેશાન છે. વર્ષ 2020માં જાન્યુઆરી 176.43 સબસીડી મળીને વર્ષ 2021માં 21.43 રૂપિયા સબસીડી કરી દેવામાં આવશે. મોટા ભાગના પરિવારોને આ ગેસ સબસીડી પણ શૂન્ય કરી દેવામાં આવી છે.

તારીખ             કિંમત

30 નવેમ્બર – 2020 594
1 ડિસેમ્બર – 2020 644
1 જાન્યુઆરી – 2021 707
1 જુલાઈ – 2021 853
17 ઓગસ્ટ – 2021 878

(10:11 pm IST)