Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કાકાનું કોરોનામાં મૃત્યુ નિપજતા ભત્રીજાએ મોબાઈલથી 11.64 લાખનો વ્યવહાર કરી છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરનાઆંબાવાડીમાં રહેતી વૃધ્ધાના પતિનું કોરોનાની બિમારીને કારણે મોત નીપજતા  વૃધ્ધાના સારવાર માટે રોકાયેલા ભત્રીજાએ તેમના મોબાઈલથી ૧૧.૬૪ લાખનો વ્યવહાર કરીને છેતરપિંડી કરી હતી. સેટેલાઈટ પોલીસે અંગે ગુનો નોંધ્યો છે.

 આંબાવાડી શ્રેયસ ક્રોસિંગ પાસે આકાશદીપ ડુપ્લેક્સમાં રહેતા મધુબહેન પટેલ(૬૨)ના બે દિકરા ઓસ્ટ્રેલીયા રહે છે. તેમના પતિ જયંતીભાઈ પટેલનું ૨૬ એપ્રિલ ૨૦૨૧માં કોરોનાને કારણે અવસાન થયું હતું. મધુબહેનનો ભત્રીજો મિનેશ પટેલ જયંતીભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જયંતીભાઈ પાસે તે સમયે તેમનો સ્માર્ટ ફોન અને આધારકાર્ડ હતા. મધુબહેન એકલા હોવાથી તે સુરતમાં તેમના બહેન કમલાબહેન પાસે રોકાવા ગયા હતા. જોકે પતિ જયંતીલાલનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. મધુબહેન તે સમયે સુરત હોવાથી જયંતીભાઈનો ફોન અને આધારકાર્ડ મિનેશ પટેલ પાસે હતા.   દરમિયાન મિનેશ પટેલે જયંતીભાઈના કોટક મહિન્દ્રા બેન્કના એકાઉન્ટમાંથી રૃ.૧૧,૬૪,૦૦૦ નો આર્થિક વ્યવહાર મધુબહેનની જાણ બહાર કર્યો હતો. બાદમાં મિનેશે જયંતીભાઈનો ફોન અને આધારકાર્ડ મધુબહેનની રાણીપમાં રહેતી બહેન ભગવતીબહેનને આપી દીધા હતા. મધુબહેને પૈસાની જરૃર પડતા બેન્કમાં જતા તેમને છેતરપિંડી થયાની જાણ થઈ હતી.જેને પગલે તેમણે મિનેશ પટેલ વિરૃદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(6:11 pm IST)