Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

આણંદ:આંકલાવ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન માહિતીના આધારે વોચ ગોઠવી ખડોલ-હળદરી રોડ નજીકથી કારમાં ચોરખાનામાં છુપાવીને લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

આણંદ : આંકલાવ પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન ખડોલ-હળદરી રોડ ઉપરથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી લઈ જનાર હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે પોલીસે ખડોલ-હળદરી રોડ ઉપર ગુપ્ત વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીદારના વર્ણન મુજબની કાર આવી ચઢતાં પોલીસે તેને અટકાવી હતી. પોલીસે કારની તલાશી લેતાં પ્રથમ નજરે તેમાંથી કાંઈ મળી આવ્યું હતું. જો કે પાછળની સીટમાં તપાસ કરતા ગુપ્ત ખાનુ બનાવ્યું હોવાનું માલુમ પડયું હતું. જેથી સીટ ખોલી તપાસ કરતા નીચેથી ગુપ્ત ખાનામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 

પોલીસે કારમાંથી ત્રણ શખ્શોને ઝડપી પાડયા હતા. જેના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે સુનિલભાઈ રસુભાઈ ડાંગી (રહે.પ્રતાપનગર, વડોદરા), મિતેશભાઈ મોતીરામ કાસોડે (રહે.કારેલીબાગ, વડોદરા) અને વિજયભાઈ લક્ષ્મણભાઈ પરમાર (રહે.કરમસદ) હોવાનું જાણવા મળ્યું હતું.

 પોલીસે રૂા.૪૪ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, ત્રણ મોબાઈલ ફોન તથા સેન્ટ્રોકાર મળી કુલ્લે રૂા.૧.૫૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ત્રણેય શખ્શો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:04 pm IST)