Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ઇડર તાલુકાના વસાઈ સહીત અન્ય ગામોમાં ચંદનના ઝાડની ચોરી કરનાર ગેંગને પોલીસે રંગે હાથે ઝડપી પાડી

ઈડર:તાલુકાના વસાઈ સહિત અન્ય ગામોમાં સુગંધીદાર કુદરતી ચંદનના ઝાડની ચોરી થકી છેલ્લા ૨૦ વર્ષથી પોલીસ તથા વન તંત્રને હંફાવતી ''હમ નહીં સુધરેંગે''વાળી રાજસ્થાનના ગોગુન્દાની કુખ્યાત ચંદન ચોર ગેંગને ઝડપી પાડી જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહત્વની સિધ્ધી હાંસલ કરી છે. આ સાથે જ પોલીસે નોંધાયેલા તથા વણનોંધાયેલા મળી ૨૧ જેટલા ચંદનચોરીના ગુન્હા ઉકેલી ૯ લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે લીધો છે.

વસાઈ સહિત તાલુકાના અન્ય ગામોમાં છેલ્લા ૧૫ દિવસથી ચંદન ચોર બેફામ બન્યા હતા. પોલીસ-વન તંત્ર તથા એસ.આર.પી.નું સતત પેટ્રોલિંગ છતાં તસ્કરો આખાને આખા ઝાડ ચોરી જઈ રોજે-રોજ નવા-નવા પડકારો આપતા હતા. માત્ર વસાઈમાંથી જ આ દિવસો દરમિયાન ૧૫ ઝાડ ચોરાયા હતા. જેમાં એક જ ખેડુત આશિષભાઈ દેસાઈના ખેતરમાંથી સળંગ ત્રણ દિવસમાં ૭ ઝાડ ચોરાતાં તંત્રની ઉંઘ હરામ થઈગઈ હતી.

દરમિયાન સતત વધતી જતી ચંદન ચોરીની આ બાબત જિલ્લા પોલીસ વડા નિરજ બડગુજરના ધ્યાન પર આવતાં તેઓએ ક્રાઈમ બ્રાન્ચની સમગ્ર ટીમને ચંદન ચોરોને ઝડપી પાડવા કામે લગાડી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. મહિપતસિંહ ચંપાવત તથા પો.સ.ઈ. જે.પી. રાવ ઉપરાંત સ્ટાફના સનત પટેલવિજય ચૌધરીઅમરત રબારીપ્રહર્ષભાઈ તથા પ્રકાશભાઈએ વસાઈની સીમમાં ડેરાતંબુ તાણી સતત ૧૧ દિવસના ઉજાગરા બાદ મહત્વની કડી મેળવી હતી.

(5:59 pm IST)