Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર FM રેડિયો સ્ટેશનનું સોફ્ટ લોન્ચિંગ 15 થી 20 કિમીના એરિયામાં રેડિયોની 90 FM ની ફ્રિકવંસી

વિસ્તારના આદિવાસીઓ રેડિયો જોકી બન્યા :સવારે 8 થી રાત્રીના 8 વાગ્યા સુધી યુનિટી રેડિયો પર ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઈંગ્લીશ એમ 4 ભાષાઓમાં રેડિયો સ્ટેશન પર વાર્તાલાપ થશે: સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત વિવિધ વાતો, વિવિધ ઘટનાઓ કે જે અત્યાર સુધી કોઈએ જાણી નહિ હોય કે કોઈએ સાંભળી નહિ હોય એ વાતો કરાશે

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દેશના 75 માં સ્વાતંત્ર પર્વ 15 મી ઓગષ્ટ 2021 ના રોજ FM રેડિયો સ્ટેશનનું સોફ્ટ લોન્ચિંગ કરાયું હતું. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 15 થી 20 કિમીના એરિયામાં રેડિયોની 90 FM ની ફ્રિકવંસી પર ” હેલ્લો હું છું કેવડિયાની દીકરી, આપ સાંભળી રહ્યા છો રેડિયો યુનિટી 90 FM એક ભારત શ્રેષ્ઠ ભારત”.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 15 મી ઓગષ્ટના દિવસે FM રેડિયો યુનિટી સ્ટેશનનું સોફ્ટ લોન્ચિંગ કરાયું હતું.આ લોન્ચિંગની સાથે હવે 90 ની ફ્રિકવંસી પર યુનિટી રેડિયો પર સવારે 8 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત વિવિધ વાતો, વિવિધ ઘટનાઓ કે જે અત્યાર સુધી કોઈએ જાણી નહિ હોય કે કોઈએ સાંભળી નહિ હોય એ વાતો કરવામાં આવશે. યુનિટી રેડિયો સ્ટેશનમાં રેકોર્ડિંગ, ઓન એર સ્ટુડિયો, બેક અપ રેકોર્ડિંગ સ્ટુડિયો, ગ્રુપ રેકોર્ડિંગ સ્ટુડિયો અને પ્રોડક્ટશન સ્ટુડિયોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદી જ્યારે છેલ્લી વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવ્યા ત્યારે એમણે એક મિટિંગમાં ત્યાં એક રેડિયો સ્ટેશન ચાલુ કરવાની સૂચના આપી હતી. એ સૂચના મુજબ કોરોના કાળના 6 મહિનાના ટૂંકા ગાળામા અન્ય ખાનગી રેડિયો સ્ટેશન કરતા ઊંચી ગુણવતા વાળુ રેડિયો સ્ટેશન બનાવવામાં આવ્યું છે. અહીંયા મહત્વની વાત એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ રેડિયો જોકી બન્યા છે. રેડિયો જોકી માટે સોફ્ટવેર અને હાર્ડવેર સાથે કેવી રીતે કામ કરવું એની એમને સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.

રેડિયો જોકી ડો.નીલમ તડવી, ગુરુશરણ તડવી, ગંગાબેન તડવી, હેતલ પટેલ અને સમાબેન દ્વારા સવારે 8 થી રાત્રીના 8 વાગ્યા દરમિયાન યુનિટી રેડિયો પર ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઈંગ્લીશ એમ 4 ભાષાઓમાં રેડિયો સ્ટેશન પર વાર્તાલાપ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા વિવિધ VIP, VVIP ગેસ્ટ સાથે વાર્તાલાપની સાથે સાથે પ્રવાસીઓના જન્મ દિવસની ઉજવણીની સાથે સાથે દેશ ભક્તિ તથા લોકોને ઉત્સાહ આવે એવા ગીતો પણ યુનિટી રેડિયો સ્ટેશન પર પ્રસારિત કરાશે.

યુનિટી રેડિયો સ્ટેશન પર રેડિયો જોકી તરીકે ફરજ બજાવી રહેલા ફિઝિયોથેરાપીસ્ટ ડો.નીલમ તડવી જણાવે છે કે અંતરિયાળ વિસ્તારનો એક આદીવાસી રેડિયો જોકી બને અને આદીવાસીના અવાજનો વિશ્વ નોંધ લેશે એવું મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન્હોતું.આજે મારો અવાજ રેડિયોના માધ્યમથી લોકો અને ખાસ કરીને મારા સમાજના લોકો સાંભળે એ મારા માટે ખૂબ સારી બાબત કહેવાય.

(11:36 pm IST)