Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં વાહનો ડીટેઈન કરીને રૂ. 11 કરોડ જેટલી દંડની રકમ વસુલાઈ

નાગરિકો પાસેથી આડેધડ દંડના નામે કરોડોની રકમ વસુલ ન કરવા ધારાસભ્ય ગ્‍યાસુદ્દીન શેખની સરકારને રજુઆત

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્‍યાન અમદાવાદ શહેરના દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખનો અમદાવાદ શહેરમાં વાહનો ડીટેઈન કરવા બાબતનો પ્રશ્ન હતો, જેના લેખિત જવાબમાં સરકારે જણાવ્‍યું હતું કે, અમદાવાદ શહેરમાં કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં 83,884 વાહનો ડીટેઈન કરવામાં આવ્‍યા છે.
તે પૈકી રૂ. 11 કરોડ 2 લાખ 20 હજાર 943 રૂપિયાનો દંડ વસુલી 77, 353 વાહનો મુક્‍ત કરવામાં આવ્‍યા છે અને 6,531 વાહનો હજુ પણ ડીટેઈન છે.

 

ધારાસભ્ય ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, કોરોના કાળમાં લોકો સામાજીક-આર્થિક તમામ ક્ષેત્રે ત્રાહીમામ પોકારી ગયા હતા. ધંધા-રોજગાર બંધ થઈ જવાના કારણે આર્થિક પરિસ્‍થિતિ બેહાલ બની ગઈ હતી. રોજ કમાઈને રોજ ખાનાર લોકો માટે બે ટંક ભોજનના પણ ફાંફા થઈ ગયા હતા ત્‍યારે રાજ્‍ય સરકાર માસ્‍કના નામે અને વાહનો ડીટેઈન કરીને દંડ ઉઘરાવવામાં વ્‍યસ્‍ત હતી. ફક્‍ત અમદાવાદ શહેરમાં જ છેલ્લા બે વર્ષમાં વાહનો ડીટેઈન કરી રૂ. 11 કરોડ જેટલી માતબર રકમ શહેરીજનોના ખિસ્‍સામાંથી સેરવી લેવામાં આવી છે. અમદાવાદ શહેરના નાગરિકો પાસેથી આડેધડ દંડના નામે કરોડોની રકમ વસુલ ન કરવા ગ્‍યાસુદ્દીન શેખે સરકારને અપીલ કરી હતી.

ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખનો અન્‍ય એક પ્રશ્ન અમદાવાદ શહેરમાં સ્‍માર્ટ સીટી યોજનાના કામો અંગેનો હતો. જેના લેખિત જવાબમાં સરકારે જણાવ્‍યું હતું કે, અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં 25 પ્રોજેક્‍ટના કામો રૂ. 509.02 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્‍યા છે અને રૂ. 1345.17 કરોડના 11 પ્રોજેક્‍ટના કામો પ્રગતિમાં છે.

ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, સ્‍માર્ટ સીટીના નામે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, તે અંતર્ગત કામો થતા હોવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આજદિન સુધી એકપણ સીટી સ્‍માર્ટ બની હોય તેમ જણાતું નથી. અમદાવાદ શહેરમાં આજે પણ પીરાણા ખાતે કચરાના ઢગલા જોવા મળે છે, ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્‍ય જોવા મળે છે, સાબરમતી નદીનો અતિપ્રદૂષિત નદીમાં સમાવેશ થાય છે, કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ અમદાવાદની પરિસ્‍થિતિ ઠેરની ઠેર છે. પ્રજાની તિજોરીમાંથી કરેલ કરોડો રૂપિયાનો ખર્ચ માથે પડયો જણાય છે. સ્‍માર્ટ સીટી અંતર્ગત અમદાવાદ શહેરમાં રૂ. 509.92 કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્‍યા છે અને રૂ. 1345.17 કરોડના કામો પ્રગતિમાં છે ત્‍યારે આટલી મોટી રકમ કયા કામો પાછળ ખર્ચવામાં આવી છે ? અમદાવાદ શહેર સ્‍માર્ટ સીટી ક્‍યાં સુધીમાં બનશે ? તે જણાવવા સરકારને અપીલ કરી હતી

 

(9:00 pm IST)