Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

વડોદરા:ગાજરાવાડી વિસ્તારમાં આવાસના મકાનો ફાળવવાની માંગ સાથે ત્રણ મહિલાઓએ પાણીની ટાંકી પર ચડી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: કોર્પોરેશને ફાળવેલા મકાનોમાં પ્રાથમિક સુવિધાના અભાવથી કંટાળી કલ્યાણ નગરમાં આવાસ ફાળવવાની માંગ સાથે ત્રણ મહિલાઓએ ગાજરાવાડી પાણીની ટાંકી ઉપર ચડી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા. અંદાજે 45 ફૂટ ઊંચાઈએ  ખેંચતાણના દ્રશ્યો સર્જાતાં એક તબક્કે લોકોના જીવ પડીકે બંધાયા હતા. ઘટનાના પગલે મોટી સંખ્યામાં સ્થળ ઉપર લોકટોળા એકત્ર થયા હતા. મહિલાઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 45 મિનિટ બાદ તેઓને સહી-સલામત નીચે ઉતારવામાં સફળતા  સાંપડી હતી. વડોદરાની ગાજરાવાડી પાણીની ટાંકી ઉપરથી આવાસ મુદ્દે ત્રણ મહિલાઓએ આપઘાતનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાના પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડ, પોલીસ તથા એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલ સ્થળ પર આવે અને લેખિતમાં બાંહેધરી આપે ત્યારબાદ જ નીચે ઉતરવા જણાવ્યું હતું, આ રેસ્ક્યુ દરમિયાન પાણીની ટાંકી નીચે રહેલી બે આંદોલનકારી મહિલાઓ પણ બેભાન થઈ હતી. પાણીની ટાંકી ઉપર ચડેલી મહિલાઓને નીચે ઉતારવા ભારે ખેંચતાણના દ્રશ્યો સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ,કલ્યાણનગરમાં આવાસો આપવાની માગ સાથે  પ્રતાપનગર સલ્મ કવાર્ટર્સના રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. કલ્યાણનગરમાં સાત વર્ષ અગાઉ કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યા બાદ કલ્યાણનગરના રહેવાસીઓને અન્ય મકાનો ફાળવવાનો નિર્ણય લેવાયો હતો. કોર્પોરેશનના મતે કમાટીપુરાના 170 અને કલ્યાણનગરના 443 મળી કુલ 613 પરિવારોને મકાનની ફાળવણી કરવાની થાય છે. જયારે કલ્યાણનગર પુન: વસન સમિતિએ 835 અરજદારોને મકાન ફાળવણીની માગ કરી હતી. તે સમયે આંદોલનમાં કેટલીક મહિલાઓએ બુરખો પહેરી સુરસાગર તળાવમાં ઝંપલાવવાનો પ્રયાસ કરતા પોલીસે તમામ મહિલાઓની અટકાયત કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, હાલ જે સ્થળોએ મકાન એલોટ કર્યા છે ત્યાં ગંદકીની ભરમાળ સાથે પ્રાથમિક સુવિધાનો અભાવ છે. યોગ્ય પાણી અને ડ્રેનેજની સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે. પારાવાર મુશ્કેલીનો સામનો કરી અમે થાકી ચૂક્યા છે. મ્યુનિસિપલ કમિશનર સ્થળ મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવે તે જરૂરી છે. અમારી માંગ છે કે, અમારા મકાન તોડ્યા તે જ સ્થળે ફાળવવા જોઈએ.

(6:33 pm IST)