Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના’ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૩૯૬ વ્યક્તિગત શૌચાલયો બનાવાયાં: ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુન સિંહ ચૌહાણ

ગાંધીનગર :ભારતનાં ગામડાં ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થાય અને સ્વચ્છતા જળવાઈ રહે તેવા હેતુથી ‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના’ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ન્યૂ હાઉસ હોલ્ડ્સનાં તાલુકાવાર કુલ ૩૯૬ વ્યક્તિગત શૌચાલયો બનાવવામાં આવ્યાં છે તેમ આજે વિધાનસભાગૃહમાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપવા આપતાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણમંત્રી અર્જુન સિંહ ચૌહાણે જણાવ્યું હતું.
મંત્રી ચૌહાણે ધારાસભ્યના પેટાપ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ઘન અને પ્રવાહી કચરાનો નિકાલ, ધાર્મિક અને જાહેર સ્થળોએ કચરાનો નિકાલ તેમજ શૌચાલયો બનાવીને સ્વચ્છતા રાખવામાં આવે છે. મહાત્મા ગાંધીજીના ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના મંત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ-શહેરી યોજના શરૂ કરીને સાચા અર્થમાં સાર્થક કરીને સ્વચ્છતાની સાથેસાથે આરોગ્યની પણ ચિંતા કરી છે તેમ પણ મંત્રીએ વધુ માહિતી આપતાં ગૃહમાં ઉમેર્યું હતું.
 

 

 

(9:03 pm IST)