Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

પોલીસે ગેંગના ચારને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા

વાપીનો બે વર્ષ જૂનો લૂંટનો ભેદ ઉકેલાયોઃ લૂંટનો ગુનો આચર્યા બાદ અત્યાર સુધીના બે વર્ષમાં આરોપીઓએ પોતાનો વ્યવસાય પણ બદલી નાંખ્યો હતો

વાપી, તા.૧૬: રાજ્યના છેવાડે આવેલ અદ્યોગિક નગરી વાપીમાં એક મોબાઇલ કંપનીના સેલ્સમેન અને ઝોમેટો કંપનીના ડીલીવરી બોયની બનેલી ગેંગે વર્ષ ૨૦૨૦માં આચરેલી રૂપિયા ૧૬ લાખની લૂંટનો ભેદ આખરે હવે ઉકેલાયો છે. આ સનસની અપહરણ અને લૂંટના ગુનામાં વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે શાતીર ગેંગના ચાર સાગરીતોને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે. ઓછા પગારથી નોકરી કરતાં મિત્રોએ શોર્ટકટમાં લાખો રૂપિયા કમાવા માટે તેમના જ એક પરિચિતને શિકાર બનાવી તેનું અપહરણ કરી રૂપિયા ૧૬ લાખની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા.

વાપી જીઆઇડીસીના મોરારજી સર્કલ પાસે ૨૭ જાન્યુઆરી ૨૦૨૦ માં રોજ જાહેર રસ્તા પર રૂપિયા ૧૬ લાખની લૂંટ થી ચકચાર મચી હતી. ધોળે દિવસે વાહનોની અવરજવર વખતે વાપીની એક ઓનલાઇન શોપિંગ એજન્સીનો કલેક્શન બોય શનિ-રવિની રજા બાદ બે દિવસમાં એકઠી થયેલી રોકડ રકમનું કલેક્શન અંદાજે રૂપિયા ૧૬ લાખની રોકડ રકમ ભરેલી બેગ લઈ બેંકમાં જમા કરાવવા જઈ રહ્યો હતો. એ વખતે જ પાછળથી બાઈક પર આવેલા ૨ શખ્સોએ કલેક્શન બોયને રસ્તા વચ્ચે ઉભા રાખી 'પોતાની બહેનની છેડતી કેમ કરે છેલ્લ તેવો આક્ષેપ કરી તેની સાથે બબાલ કરી હતી. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી ઝપાઝપી અને મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. બને લૂંટારુઓએ કલેક્શન બોય યતીન પટેલને પોતાની બાઈક પર બેસાડી દમણગંગા બ્રિજ સુધી અપહરણ કરી લઇ ગયા હતા. ત્યાં મોકો મળતા જ લૂંટારુઓ યતીનને રોડ પર ફેંકી ફરાર થઇ ગયા હતા. છેલ્લા ૨ વર્ષથી અનડીટેક્ટેડ રહેલા આ ગુનાને વલસાડ પોલીસે ઉકેલી નાંખ્યો છે. આ લૂંટના આરોપીઓ બે વર્ષ સુધી પોલીસ પકડથી દૂર રહ્યા હતા.

(11:03 pm IST)