Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

વડોદરાના ન્યાયમંદિર નજીક ટ્રાવેલ્સ સંચાલક દ્વારા કાર માલિકોને ભાડા ન ચૂકવી છેતરપિંડી અચરવારના ગુનાહમાં પોલીસ ફરિયાદ

વડોદરા: ન્યાયમંદિર પાસે આવેલા પરદેશી ફળિયામાં રહેતો મૌનાંગ પટેલ ખાનગી બેંકમાં કલેક્શન મેનેજર તરીકે નોકરી કરે છે. વર્ષ 2021 માં કારની જરૂરિયાત ઉદ્ભવતા અલ્ફાઝ અનીષભાઈ વ્હોરા ( રહે ધનાની પાર્ક, આજવારોડ )નો સંપર્ક સાધ્યો હતો. આ દરમિયાન અલ્ફાઝએ જણાવ્યું હતું કે, "હું 45 ગાડીઓ રાખું છું અને ગાડીના માલિકોને દર મહિને ભાડું ચૂકવી દઉં છું. મારી પાસે ગાડી છે તમે લોન થી ખરીદી લો હું તેનો હપ્તો ભરીશ અને ઉપરથી 10 હજાર  પણ આપીશ." ત્યારબાદ હ્યુનડાઈ કંપનીની વરના કાર ઉપર 5.30 લાખની લોન કરાવી હતી. કારમાલિક વિજયકુમાર પટેલ નામના વ્યક્તિને લોનની રકમ આપવાનું જણાવી અલ્ફાઝ લોનના 5.16 લાખ લઈ ગયો હતો. અને કાર ભાડે હોવાનું જણાવી આરસી બુક પણ સાથે લઈ ગયો હતો. મે માસથી ઓગસ્ટ માસ સુધી અલ્ફાઝએ હપ્તાની પ્રતિમાસ 16870 રકમ તથા ઉપર 10 હજાર આપ્યા હતા. પરંતુ અલ્ફાઝ સપ્ટેમ્બર મહિના બાદ હપ્તો ભરવાનું બંધ કરી જવાબ આપવાનું ટાળતો હતો. બીજા બનાવમાં વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતો ઈર્શાદ મિર્ઝા પીઝા શૉપમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2019માં તેણે મારુતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ ડિઝાયર કાર ખરીદી હતી. વર્ષ 2020માં તેમનો પરિચય અલ્ફાઝ સાથે થયો હતો. દરમ્યાન અલ્ફાઝએ જણાવ્યું હતું કે, "ફતેગંજ ખાતે રોયલ્સ ટ્રાવેલ્સ નામની મારી ઓફિસ છે. અને હું ભાડેથી ગાડીઓ આપું છું. તમારી કાર મને આપો હું દર મહિને 25 હજાર ભાડું આપીશ." ત્યારબાદ અલ્ફાઝએ નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી છ મહિનાનું રેગ્યુલર ભાડું ચૂકવ્યું હતું. ત્યારબાદ કારનો ભાડા કરાર પૂર્ણ થતા કાર પરત નહીં આપી 10 મહિનાનું ભાડું 2.50 લાખ નહીં ચૂકવી કાર અન્ય વ્યક્તિને ગીરવે આપી છેતરપિંડી આચરી હતી.

(6:03 pm IST)