Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

ખંભાતમાં સિલિકોસિસના રોગથી વધુ એક શખ્સનું મોત નિપજતા મ્રુતકઆંક 21એ પહોંચ્યો

આણંદ : ખંભાતમાં સીલીકોસીસના રોગે પુનઃ માથુ ઉચક્યું છે. સીલીકોસીસથી પીડાતા વધુ એક વ્યક્તિનું મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક ૨૧ ઉપર પહોંચ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં સીલીકોસીસ પીડીતોના મૃત્યુ દરમાં થઈ રહેલ વધારાને લઈ આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. હાલ ટીબી હોસ્પિટલમાં સીલીકોસીસના દર્દીઓના એક્સરે લઈ રોગનું નિદાન કાર્ય શરૂ કરાયું છે. આ અંગે સીલીકોસીસ પીડીતો માટે કાર્યરત પીટીઆરસીના નિયામક જગદીશ પટેલના જણાવ્યા મુજબ નવાબી નગર ખંભાતમાં કલાત્મક અકીકના આભુષણો બનાવવાનો વ્યવસાય વર્ષોથી ચાલે છે. જેમાં પથ્થર ઘસવાની પ્રક્રિયાના કારણે કારીગરોમાં સીલીકોસીસ બિમારી થતી હોય છે. જે જીવલેણ હોય છે. શહેરના સૈયદવાડા વિસ્તારમાં રહેતા એક ૪૩ વર્ષીય વ્યક્તિનું સીલીકોસીસના કારણે અવસાન થયું છે. પરિવારમાં તે તથા તેઓના વિધવા માતા એમ બે જ સભ્ય છે. બીજા અનેક અકીકના કારીગરોની જેમ મૃતક નિર્વિવાહિત હતા અને તેમણે વીસેક વર્ષ સુધી ડ્રમમાં કામ કર્યું હતું. દિવસે રીક્ષા ફેરવે અને રાત્રે ડ્રમમાં જતા હતા. છ વર્ષ પૂર્વે તેઓ બિમાર પડતા કામ અને આવક બંને બંધ થઈ ગયા હતા. તેઓની બિમારી અંગે પીટીઆરસીને જૂન-૨૦૨૧માં જાણ થઈ હતી. તેઓને શ્વાસમાં ભારે તકલીફના કારણે ભાડે ઓક્સિજન કોન્સ્ટ્રેનટેટર લાવવામાં આવતા હતા. જેના  ભાડાના પણ તેઓ પાસે પૈસા ન હોઈ લોકો તેમજ કેટલીક સંસ્થાએ મદદ કરી હતી. હાલમાં ૧૦૦થી વધુ સીલીકોસીસ પીડીતો ખંભાતમાં સારવાર માટે ફાંફા મારી રહ્યા છે.

 

(5:39 pm IST)