Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

પાટણના સિધ્‍ધી સરોવરમાં પુત્રને બચાવવા માતાની છલાંગઃ પુત્રનું મોત-માતાનો બચાવ

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા., ૧૬: સરસ્‍વતી તાલુકાના રંવીયાણા ગામના વતની અને હાલ પાટણના અંબાજી નેળીયામાં આવેલ યશ ટાઉનશીપના મકાન નં. ૧૯ર માં રહેતા પુનીતભાઇ જયંતીભાઇ નાયી તીરૂપતી બજારમાં હેરકટીંગ સલુનની દુકાન ધરાવે છે. ત્‍યારે આજ રોજ સવારે તેમના પત્‍ની ચેતનાબેન નાયી પરીવારજનોને માસીના ઘરે જઉં છુ તેમ કહી તેમના અઢી વર્ષના પુત્ર શિવને લઇ ઘરેથી નીકળી ગયા હતા અને સવારે ૯ કલાકે શહેરના સિધ્‍ધિ સરોવરમાં ફરવા માટે ગયા હતા તે સમયે શિવનો પગ લપસતા તે પાણીમાં ડુબવા લાગતા તેને બચાવવા માટે માતા ચેતનાબેને પણ સરોવરમાં છલાંગ લગાવી હતી. ત્‍યારે માતા અને પુત્ર સરોવરના ઉંડા પાણીમાં ડુબવા લાગતા ત્‍યાં હાજર લોકો ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને પુત્ર અને માતાને જીવીત બહાર કાઢયા હતા. જેમાં ગંભીર હાલતમાં ચેતનાબેન નાયીને પાટણ ૧૦૮ મારફતે ધારપુર  મેડીકલ હોસ્‍પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. જયારે બે વર્ષના માસુમ બાળક શિવને સારવાર માટે પાટણ સિવિલમાં લાવવામાં આવ્‍યો હતો. પરંતુ હોસ્‍પીટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નિપજયું હતું.
પીઆઇ અરૂણ પરમારે જણાવ્‍યું હતુ કે મહિલાનું મામલતદાર દ્વારા ધારપુર જઇ નિવેદન લેવામાં આવ્‍યું છે. જેમાં તેને સરોવરમાં આવેલ મંદિરમાં દર્શન અર્થે ગઇ હતી. જયાં બગીચામાં ફરવા દરમ્‍યાન પગ લપસતા બન્ને અંદર પડી ગયા હતા. હાલમાં પુત્રના મોતને લઇ અકસ્‍માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

 

(3:42 pm IST)