Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

ઉર્જા ક્ષેત્રે 'ઝળહળતી' કામગીરી : આવતા બે વર્ષમાં ૨૦૪૯.૭ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા વધશે

કોંગીના શૈલેષ પરમારે દર્શાવેલા આંકડા ગેરમાર્ગે દોરનાર : ૨૦૨૧ના વર્ષમાં વીજ ઉત્પાદન ક્ષમતા વધી : મુદ્દાસર જવાબ આપતા ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ

ગાંધીનગર તા. ૧૬ : ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલે ગૃહમાં વિપક્ષના સિનીયર ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા થયેલા આક્ષેપોને વખોડતા કહ્યું કે, ધારાસભ્ય શ્રી શૈલેષ પરમાર દ્વારા વિધાનસભા ગૃહમાં સામાજિક આર્થિક સમીક્ષાના આંકડા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ મુજબના છે. જ્યારે રાજ્ય સરકારે આજે પ્રશ્નોત્તરીકાળના જવાબમાં જાહેર કરેલા આંકડા ચાલુ વર્ષના એટલે કે વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧ના કેલેન્ડર વર્ષના છે. બંને આંકડામાં વિસંગતતા અંગે ગૃહમાં ઉઠાવવામાં આવેલા અતાર્કીત સવાલ હકીકતમાં સભ્યશ્રી શૈલેષ પરમારને થયેલી ગેરસમજ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારના અથાક પ્રયાસોને પરિણામે રાજ્યમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જેની વિગતો રાજ્ય સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામક કચેરી દ્વારા પ્રકાશીત સામાજિક આર્થિક સમીક્ષા વર્ષ ૨૦૨૧-૨૨ના પાના નં.ક.૭૦ અને ક.૭૧ ઉપર સ્પષ્ટપણે દર્શાવેલ છે. કોંગ્રેસે વિધાનસભા ગૃહના માધ્યમથી રાજ્યની પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઇએ.

ઉર્જા રાજ્યમંત્રીશ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ની સ્થિતિએ રાજ્યની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા ૩૬,૩૮૪ મેગાવોટ છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુલ ૩૨૬૫.૯ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૦માં એન.ટી.પી.સી. લારા સેકટરમાંથી ૭૮.૪ મેગાવોટ, એન.ટી.પી.સી. ખરગોન સેકટરમાંથી ૨૪૬ મેગાવોટ, પવન ઉર્જા સેકટરમાંથી ૮૩ મેગાવોટ અને સૌર ઉર્જા સેકટરમાંથી ૪૩૫ મેગાવોટ મળીને વર્ષ ૨૦૨૦માં કુલ ૮૪૨.૪ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે. જ્યારે વર્ષ ૨૦૨૧માં એનટીપીસી ગદરવારા સેકટરમાંથી ૧૫૨ મેગાવોટ, એન.ટી.પી.સી. થર્મલ પ્રોજેકટ સેકટરમાંથી ૧૨૮૨ મેગાવોટ, પવન ઉર્જા સેકટરમાંથી ૬૧ મેગાવોટ, સૌર ઉર્જા સેકટરમાંથી ૯૨૧ મેગાવોટ અને વેસ્ટ ટુ એનર્જી સેકટરમાંથી ૭.૫ મેગાવોટ મળીને વર્ષ ૨૦૨૧માં કુલ ૨૪૨૩.૫ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા વધારો થવા પામ્યો છે. એટલું જ નહી, આગામી બે વર્ષમાં ૨૦૪૯.૭ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા વધારવાનું રાજ્ય સરકારનું આયોજન છે

(2:44 pm IST)