Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

જન્મદિવસ વિશેષ : વડાપ્રધાનના વિશ્વાસુ મનાતા સી.આર.પાટીલનું લક્ષ્ય, વિજયી ભવઃ ગુજરાત ૧૮૨

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલનો આજે જન્મ દિવસ છે ત્યારે ચાલો જાણીએ થોડુ તેમના જીવન વિશે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ચંદ્રકાંત રઘુનાથ પાટીલ.... એક એવું નામ કે જેને ગુજરાતમાં હવે પરીચયની કોઇ આવશ્યકતા નથી રહી. ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત રઘુનાથ પાટીલને સુરત સહિત ખાસ કરીને દક્ષીણ ગુજરાતમાં સી.આર.પાટીલના નામથી જ ઓળખવામાં આવે છે. હવે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા પછી આખા ગુજરાતના કાર્યકર્તાઓ તેમને સી.આર.પાટીલ નામથી જ બોલાવી રહ્યા છે. અવિરત અને સખત પરિશ્રમ દ્વારા નવસારી લોકસભા વિસ્તારમાંથી બીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ લેવાનું સમગ્ર દેશના પ્રથમ સાંસદ તરીકે સી.આર.પાટીલે ગૌરવ હાસલ કર્યુ છે.
      એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે ૧૬ માર્ચ ૧૯૫૫ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે બાળકનો જન્મ થયો હતો. જેનું નામ ચંદ્રકાંત રાખવામાં આવ્યુ. શાળાકીય શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની આઈટીઆઇમા અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૭૫માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા. સરકારી નોકરીમાં એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહિ. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતુ નહિ. એ મુદ્દો લઈને સી.આર.પાટીલે ૧૯૮૪મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તત્કાલીન સમયે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ સહેજ પણ ગમ્યું નહિ અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝવામાં આવ્યો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને એમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ સ્વિકારી લીધો. એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા હતા. એ પછી જીવન સંઘર્ષ તો ચાલુ રહ્યો છે. આજ નહિ આના જેવા અનેક પ્રકારના વ્યવસાયિક અને સામાજિક સંગઠનોની રચના અને સંચાલનની જવાબદારી નિભાવી ચુક્યા છે. સામાજિક કાર્યોમાં એ સદા અગ્રેસર રહ્યા છે. સી.આર.પાટીલ અખબારીક્ષેત્રે પણ હાથ અજમાવી ચુક્યા છે.
     સી.આર.પાટીલના રાજકીય સફરની વાત કરવામાં આવે તો સી.આર.પાટીલે ૨૫ ડીસેમ્બર ૧૯૮૯એ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનીને રાજકીય કારર્કિદીની શરૂઆત કરી છે. તેઓ સુરત શહેર ભાજપના કોષાધ્ય અને પછી ઉપપ્રમુખ પણ બન્યા હતા. સી.આર.પાટીલે ભાજપ દ્વારા સોંપવામાં આવેલ જવાબદારીઓનું સફળતા પુર્વક વહન કર્યુ. શરૂઆતના તબક્કે ચુંટણી લડી ન હોવા છતાં પણ સી.આર.પાટીલને સારા રણનિતીકાર તરીકે કાર્યકર્તાઓ ઓળખવા લાગ્યા. સ્થાનિક સ્વારાજ્ય થી લઇને વિધાનસભા, લોકસભાની ચુંટણીમાં સી.આર.પાટીલે ભાજપના ઉમેદવારોને મોટી લીડથી જીતાડવા માટે સફળતાપુર્વકના પ્રયત્નો કર્યા છે. જાહેર જીવનના ૨૦ વર્ષ પછી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નવસારી લોકસભાની બેઠક માટે સી.આર.પાટીલની પસંદગી કરી હતી. ૧૫મી લોકસભાની પ્રથમ ચુંટણીમાં સી.આર.પાટીલે પ્રભાવશાળી વિજય મેળવ્યો.  સાંસદ તરીકે વિજયી બન્યા પછી સતત લોકસંપર્ક અને કાર્ય તેમની ઓળખ બની.  વર્ષ ૨૦૧૪માં સી.આર.પાટીલ પુનઃ ભવ્ય વિજય મેળવીને સાંસદ તરીકે ચુટાયા છે. સમગ્ર દેશમાં વડાપ્રાધાન નરેન્દ્રભાઇ મોદી અને નિવૃત સેના અધ્યક્ષ જનરલ વિ કે સિંહ પછી ત્રીજા નંબરે જંગી મતોથી વિજયી બન્યા છે. સાંસદ તરીકેની આગવી ઓળખ ઉભી કરનાર અને વડાપ્રધાન તથા ગૃહમંત્રીના વિશ્વાસુ માનવામાં આવતા સી.આર.પાટીલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ છેલ્લી બે લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાંથી ૨૬ માંથી ૨૬ લોકસભા બેઠકો પર વિજય મેળવ્યો તેવી જ રીતે આગામી વિધાનસભાની ચુંટણીમાં પણ ૧૮૨ માંથી ૧૮૨ બેઠક ભાજપના ઉમેદવારો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

(11:16 am IST)