Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

સમાજના દરેક વર્ગની અપેક્ષાઓ પૂર્ણ કરતું આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધતુ આ બજેટ નાણામંત્રી કનુભાઇ દેસાઇ

વિકસિત ગુજરાત”ને અમૃતકાળ તરફ આગળ વધારી “સ્વર્ણિમ ગુજરાત” બનાવવા અંદાજપત્રમાં વિવિધ જોગવાઇઓનો સમાવેશ

ગાંધીનગર :ગુજરાતના નાગરિકોની આશા-આકાંક્ષાઓને સાકાર કરતું અને સમાજના દરેક વર્ગની અપેક્ષાઓ પૂર્ણ કરતું આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધતુ આ બજેટ છે. “વિકસિત ગુજરાત”ને અમૃતકાળ તરફ આગળ વધારી “સ્વર્ણિમ ગુજરાત” બનાવવા અંદાજપત્રમાં વિવિધ જોગવાઇઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ વિધાનસભા ગૃહમાં બજેટ પરની સામાન્ય ચર્ચા દરમિયાન નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ.

નાણા મંત્રીએ કહ્યુ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ અમારી સરકારનું આ પ્રથમ અંદાજપત્ર છે. રાજયની જનતા જનાર્દનની આશા-આકાંક્ષાઓને સાકાર કરતું અને સમાજના દરેક વર્ગની અપેક્ષાઓ પૂર્ણ કરતું બજેટ આપવાનો અમારી સરકારે નમ્ર પ્રયાસ કર્યો છે. આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધતુ આ બજેટ છે.
આ બજેટમાં ખેડૂતો, પશુપાલકો અને સાગર ખેડૂઓની આવક વધે તે માટે અનેકવિધ યોજનાઓ છે. સરદાર સરોવર યોજનાની વિરાટ કામગીરી, સુજ્લામ સૂફલામ અને સૌની યોજનાઓથી સિંચાઇની વધારાની કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી સાથે કચ્છ  વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓ ઉભી કરવાનું તેમજ જલ જીવન મિશન અંતર્ગત હર ઘર નલ સે જલના ઉદ્દેશને ૧૦૦ ટકા પૂર્ણ કરવા માટેનું આ બજેટ છે તેમ નાણા મંત્રીએ ઉમેર્યુ હતુ.
મંત્રીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ (માં)  યોજના હેઠળ ૮૦ લાખ કરતાં વધુ કુટુંબોને રૂ. ૫ લાખ સુધીની મફત તબીબી સારવાર તેમજ બાળકના જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસનું અનેરુ મહત્ત્વ ધ્યાને રાખી શિશુના ગર્ભકાળથી શરૂ કરી ૧૦૦૦ દિવસ સુધી બાળક અને ધાત્રી માતાના પોષણને સુનિશ્ચિત કરતું આ બજેટ છે. આ બજેટ મારફતે શિક્ષણ ક્ષેત્રે સ્કૂલ્સ ઓફ એકસેલન્સના પ્રોજેકટના માધ્યમથી વધુ સારી માળખાગત સુવિધાઓ તેમજ ગુણવતાલક્ષી શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવશે, તેમજ રાજયના ગામે ગામ ફ્રી વાઇ-ફાઇ સેવાની શરુઆત કરવામાં આવશે.
નાણા મંત્રીએ ઉમેર્યુ કે, આદિજાતિ વિસ્તારો મોબાઇલ નેટવર્કથી વંચિત ન રહે તે માટે પ૦૦ નવા મોબાઇલ ટાવર ઉભા કરવા માટેનું આયોજન છે. શહેરી વિસ્તારોમાં રહેતા લોકોની સુખાકારી માટે અનેકવિધ જોગવાઇઓ કરતું અને રોજગારીના વિપુલ અવસરો ઉભા કરવા રાજયમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપતું તથા આવી રોજગારીની તકોનો લાભ રાજયનું યુવાધન લઇ શકે તે માટે કૌશલ્યબદ્ધ કરવા માટેનું આ બજેટ છે. પી.એમ.ગતિ શક્તિ પ્રોજેક્ટ સ્વરૂપે ઝડપી પરિવહન માટે રોડ-રસ્તાની તેમજ બંદરોની ઉચ્ચ ગુણવતાવાળી માળખાગત સુવિધાઓ ઉભી કરવાના અમારી સરકારના આયોજનોને વેગ આપવાની સાથે સાથે દેશમાં ઉર્જા ક્ષેત્રે ગુજરાતનું મોખરાનું સ્થાન જાળવી રાખવાના નિર્ધાર સાથે આ બજેટ રજૂ કરાયુ છે.
નાણા મંત્રીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યુ હતુ કે, નમો વડ વનની વાત હોય કે મધમાખી ઉછેરથી મધક્રાંતિની વાત હોય, ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ હોય કે આઇ.ટી. અને બી.ટી. ક્ષેત્રની કામગીરી હોય, પોલીસ આધુનિકિકરણની વાત હોય કે ન્યાયતંત્ર માટેની માળખાકીય સુવિધાઓની વાત હોય, લોકોની સેવા અને સુખ-શાંતિ માટે દરેક બાબતનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. ગર્ભસ્થ શિશુથી માંડીને અબાલવૃધ્ધ સુધી સમાજના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતા આ બજેટ દ્વારા ગુજરાત વિકાસના નવા આયામો સર કરશે જ તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રનું કદ રૂ. ૨,૪૩,૯૬૫ કરોડ છે. રાજ્યના અંદાજપત્રનું દર વર્ષે ઉત્તરોતર કદ વધતું જાય છે. ગયા વર્ષે એટલે કે સને ૨૦૨૧-૨૨ના વર્ષની બજેટ જોગવાઈ રૂા.૨,૨૭,૦૨૯ કરોડ સામે સને ૨૦૨૨-૨૩ના વર્ષની બજેટ જોગવાઈ રૂા. ૨,૪૩,૯૬૫ કરોડ છે. જે અંદાજપત્રમાં ૭.૪૬ ટકાનો વધારો સૂચવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટેના સમગ્ર વર્ષના અંદાજપત્રનું કદ રૂા. ર,૪૩,૯૬૫ કરોડ છે. આ અંદાજપત્ર રૂા ૬૬૮.૦૯ કરોડની એકંદર પુરાંત તેમજ રૂા. ૧૦૦૫.૮૬ કરોડની મહેસૂલી પુરાંત દર્શાવે છે. મહેસૂલી પુરાંતવાળુ આ સતત અગિયારમું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું છે.
મંત્રીએ કહ્યું હતું કે, સને ૨૦૨૨-૨૩ માટે કુલ આવક રૂ. ૨,૪૩,૫૦૨ કરોડ અંદાજવામાં આવેલ છે, જે સને ૨૦૨૧-૨૨ ના (સુધારેલ અંદાજ) કરતાં ૭.૮૫  ટકા વધુ છે. સને ૨૦૨૨-૨૩ માટે મહેસૂલી આવક રૂા. ૧,૮૨,૦૪૬ કરોડ અંદાજવામાં આવેલ છે. જે સને ૨૦૨૧-૨૨ના મહેસૂલી આવકના સુધારેલ અંદાજ કરતાં ૧૧.૬૭ ટકા વધુ છે. સને ૨૦૨૨-૨૩ના અંદાજો રૂા. ૨,૪૩,૯૬૫ કરોડના અંદાજવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩દરમ્યાન સરકારનો વિકાસલક્ષી ખર્ચ રૂા. ૧, ૪૨, ૯૨૬ કરોડ જેટલો ઉંચો જશે, જે બિન વિકાસલક્ષી ખર્ચ રૂા. ૯૬, ૯૬૩ કરોડની સામે રૂા. ૪૫, ૯૬૪ કરોડનો વધારો દર્શાવે છે.
મંત્રીએ ઉમેર્યું હતુ કે, સારુ નાણાકીય વ્યવસ્થાપન એ ઉત્તમ વહીવટની ઓળખ છે. ગુજરાતે નાણાકીય વ્યવસ્થાપનમાં સમગ્ર દેશમાં નામના મેળવી છે. છેલ્લાં બે દશકમાં ઓવરડ્રાફ્ટ લીધા વગર ઉત્તરોત્તર વૃદ્ધિ સાથેનું બજેટમાં વિકાસના કાર્યો માટે નાણાની ફાળવણી ગુજરાતે કરી છે. કોરોનાની મહામારીના કારણે અર્થવ્યવસ્થા પર આવેલ સંકટ વચ્ચે ગુજરાત આ વર્ષે પણ જી.ડી.પી.માં ૧૩ ટકા કરતા વધારે વૃદ્ધિ દર મેળવશે તેવી અપેક્ષા છે. આમ, નાણાકીય વ્યવસ્થાપન ઇન્ડેક્ષમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વહીવટી તંત્ર સક્ષમ કરવા માટે સરકારે આધાર કાર્ડ, ડીબીટી અને ફાયનાન્સિયલ ઇન્કલ્યુઝન જેવી વડાપ્રધાનએ આપેલ સંકલ્પનાનો અમલ કરેલ છે. વહીવટી સરળીકરણ લાવવા તેમજ યોગ્ય લાભાર્થીઓ સુધી સરકારની કલ્યાણકારી યોજનાના લાભ પહોચે તે માટે વ્યકિતલક્ષી સહાયની યોજનાઓમાં સરકારે ડી.બી.ટી.નો ઉપયોગ કરેલ છે.        
મંત્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોને હાલ ખરીફ પાક માટે ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત પેટે સહાય આપવામાં આવે છે. રવી તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે કિસાન ક્રેડીટ કાર્ડ મારફત ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત આપવા માટે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે. વધુમાં પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડીટ કાર્ડ મારફત કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત આપવામાં આવશે જેથી તેમની આવક અને સુખાકારીમાં વધારો થશે. વડાપ્રધાનશ્રીએ ખેડૂતોના કલ્યાણને કેન્દ્ર સ્થાને રાખી છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી કિસાન સન્માનનીધી યોજના અંતર્ગત દેશના પ્રત્યેક ખેડૂત કુટુંબને વાર્ષિક રૂ. ૬ હજાર સહાય આપવાની યોજના અમલી બનાવી છે. આયોજનાઅંતર્ગત, અત્યાર સુધી ગુજરાતનાં આશરે ૬૦ લાખ જેટલા ખેડૂતોને સીધેસીધા તેમના બેન્ક ખાતામાં કુલ  રૂ. ૯ હજાર ૭૭ કરોડ પ્રાપ્ત થયેલ છે.
આ વર્ષે મે માસમાં “તાઉતે” વાવાઝોડાથી ખેતી/બાગાયતી પાકોને થયેલ નુકસાનને ધ્યાને લઈ અમારી સરકારે રાજ્યના ૧૨ જિલ્લાઓના ખેડૂતોના હિતમાં પેકેજ જાહેર કરેલ. જે અંતર્ગત રાજ્યના અંદાજેદોઢ લાખ ખેડૂતોને રૂ.૩૫૪ કરોડની સહાયની રકમ લાભાર્થી ખેડૂતોને તેમના બેન્ક ખાતામાં આપવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકશાન અન્વયે પ્રથમ તબક્કામાં ચાર જીલ્લાના ૨૩ તાલુકાના ૬૮૨ ગામોના ખેડૂતોને મદદરૂપ થવા માટે એસ.ડી.આર. એફ ઉપરાંત રાજ્ય બજેટમાંથી મળીને કુલ રૂ.૫૪૭ કરોડનુ માતબાર સહાય પેકેજ જાહેર કરેલ. આ ઉપરાંત બીજા તબક્કામાં નવ જીલ્લાઓના સાડત્રીસ તાલુકાઓના ૧૫૩૦ ગામોના ખેડૂતોને મદદરૂપ થવા માટે કુલ રૂ. ૫૩૧ કરોડનુ સહાય પેકેજ જાહેર કરેલ છે.
ગૌ ધનના સંરક્ષણ અને સંવર્ધન માટે અમારી સરકાર કાર્યરતછે. ગૌશાળા અને પાંજરાપોળના નિભાવ અને જાળવણી માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના થકી રૂ.૫૦૦ કરોડની જોગવાઈ આ બજેટમાં કરી છે. વધુમાં, રખડતાં અને નિરાધાર પશુઓની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ખાસ પ્રયત્નો માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, નિરાધાર વડીલોની કાળજી રાખવાના હેતુથી સરકારે વૃધ્ધ પેન્શન યોજનાના ૧૧ લાખ લાભાર્થીઓ સુધી લાભ પહોચાડવા આ યોજનાની સહાયની રકમમાં નોંધપાત્ર વધારો કરીને આ બજેટમાં  રૂ.૯૭૭ કરોડની જોગવાઇ કરી  છે. ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાજ્યમાં આશરે રૂ.૧૦ હજાર કરોડના ખર્ચે ‘‘સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ’’ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ મિશન હેઠળ કુલ ૨૦ હજાર શાળાઓ અને આશરે ૫૭ લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. આમ રાજ્યની આશરે ૫૦ ટકા જેટલી મોટી શાળાઓને આવરી લઈ આશરે ૮૫ થી ૯૦ ટકા બાળકોને સીધો ફાયદો થશે.
નવા ભારતના નિર્માણ માટે ભાવિ પેઢીને તૈયાર કરવા સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી 2.0, સર્જનાત્મકતા તેમજ ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થાને આગળ ધપાવવામાં મુખ્ય ભૂમિકામાં રહેશે.
મંત્રીએ કહ્યું હતુ કે, આવતા પાંચ વર્ષમાં અમલી થનાર સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને ૧૦૦૦ દિવસ સુધી વિનામૂલ્યે એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક લીટર ખાદ્યતેલ દર મહિને આપવા માટેની સરકારની પહેલ દ્વારા રાજયના ભાવિ એવા બાળકોની પોષણની જરૂરીયાત પરિપૂર્ણ થશે એવા ઉમદા આશય સાથે સરકારે આ બજેટમાં નિર્ધાર વ્યકત કરેલ છે. કોરોના જેવી મહામારીમાં પણ રાજ્ય સરકાર દ્વારા એક પણ લાભાર્થી પૂરક પોષણની સેવાઓથી વંચિત ન રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલ છે. ૩ થી ૬ વર્ષના બાળકોને ઘરે ઘરે સુખડીનું વિતરણ કરવામાં આવેલ છે અને બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરૂ પાડવામાં આવેલ છે.
મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અમારી સરકારે ૧ લાખ રોજગારીની તકો ઉભી કરવાના હેતુથી ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણોને વેગ આપવા નવી આઇ.ટી.પોલીસીની જાહેરાત કરેલ છે. જે અંતર્ગત વિશ્વકક્ષાના આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું  નિર્માણ કરી ઉચ્ચ કૌશલ્ય ધરાવતા માનવબળના સ્ત્રોત ઉભા કરવામાં આવશે. આઇ.ટી.એક્સ્પોર્ટમાં ધરખમ વધારો કરવાના આશયથી ગુજરાતમાં આઇ.ટી. ઇકો સિસ્ટમમાં પરિવર્તન લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. બાયોટેકનોલોજી ક્ષેત્રે પાંચ વર્ષમાં ૧ લાખ ૨૦ હજાર રોજગારીના અવસરના લક્ષ્યાંક સાથે  બાયોપ્લાસ્ટિકથી લઇને  જિન સ્પ્લાઇસીંગ અને સ્ટેમ સેલ થેરાપી જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે સરકારે બાયોટેકનોલોજી પોલીસીની જાહેરાત કરી છે.
મંત્રીએ જણાવ્યું હતુ કે, ચાલુ વર્ષ ૨૦૨૧- ૨૨ દરમ્યાન કોરોનાની બીજી લહેરના કારણે ઉદભવેલ પરિસ્થિતિના કારણોસર ભારત સરકાર દ્રારા  “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ રાજ્યના રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ ૭૦ લાખ રેશનકાર્ડ ધારકોની અંદાજે સાડા ત્રણ કરોડ જનસંખ્યાને તેઓને મળવાપાત્ર રાહતદરના  નિયમિત  રાશનના લાભ ઉપરાંત વ્યક્તિદીઠ સાડા ત્રણ  કિલો ગ્રામ  ઘઉં અને દોઢ કિલો ગ્રામ ચોખા મળી કુલ પાંચ કિલોગ્રામ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. મે–2021 થી ફેબ્રુઆરી–2022 સુધી કુલ ૧૧ લાખ ૮૩ હજાર મેટ્રિક ટન ઘઉં તથા ૫ લાખ ૪૭ હજાર મેટ્રિક ટન ચોખા મળી કુલ ૧૭ લાખ ૩૦ હજાર મેટ્રિક ટન અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે. જેનો રાજય સરકારના ભાગે સબસીડી ખર્ચ રૂ. ૨૫૦ કરોડથી વધુ કરાયો છે.
મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, નિવાસી શાળાઓનાં માધ્યમથી ગુણવત્તાસભર શિક્ષણ આપવાના હેતુથી આદિજાતિ વિસ્તારોમાં સામાજિક ભાગીદારીથી ૨૫ બિરસા મુંડા જ્ઞાનશકિત રેસીડેન્‍સીયલ સ્કૂલ્સ ઓફ એકસેલેન્‍સ શરૂ કરવામાં આવશે. જેમાં અનુસૂચિત જનજાતિના ૫૦ હજાર વિદ્યાર્થીઓને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપવા માટે પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીના એકતા નગરના સંકલિત વિકાસની દીર્ઘદ્રષ્ટિ ભરી પરિકલ્પનાની પૂર્તિની દિશામાં વધુ એક પગલું આગળ વધારવા અને મુખ્યત્વે આદિજાતિ વિસ્તારના સામાજિક-આર્થિક ઉત્થાન માટે, કેવડિયા ખાતે  એકતા સ્કિલ ડેવલપમેંટ સેન્ટરનું નિર્માણ થયેલ છે.અત્યારે અહીં વિવિધ પ્રકારના કૌશલ્યલક્ષી કોર્ષ ચાલી રહ્યાં છે તથા તાલીમાર્થીઓ  તેમની આવડત આધારિત ક્ષેત્રોમાં રોજગારી મેળવવાની શરૂઆત કરી ચૂક્યાં છે.
વધુમાં એકતા નગર ભારતનું પ્રથમ ‘ઇ-વાહન માત્ર’ ક્ષેત્ર બની રહ્યું છે.કેવડિયા સ્થિત વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાતે પધારતાં પ્રવાસીઓની સુવિધા માટે ૬૦ જેટલી ઈ-રીક્ષાઓ સ્થાનિક મહિલાઓ ધ્વારા ચલાવી રોજગારી પ્રાપ્ત કરવામાં આવી રહેલ છે. કુલ ૩૦૦ ઈ-રીક્ષાઓ સ્થાનિક મહિલાઓ ધ્વારા ચલાવીને રોજગારી આપવાનું આયોજન છે તેમ મંત્રીએ ઉમેર્યું હતુ.  
મંત્રીએ કહ્યું હતુ કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભારતના રાષ્ટ્રીય વૃક્ષ અને સેંકડો વર્ષો સુધી જીવંત રહેનાર વડના વૃક્ષોનું ૭૫ સ્થળોએ વાવેતર કરી ૭૫ નમો વડ વનનું નિર્માણ કરવામાં આવનાર છે. આ મહોત્સવ હેઠળ તમામ જિલ્લાઓને આવરી લેવામાં આવશે. દરેક જગ્યાએ ૭૫ વડના વૃક્ષો રોપવામાં આવશે. આમ ૭૫ વડ વન દ્વારા કુલ ૫૬૨૫ વડના વૃક્ષોનું વાવેતર કરવા માટે આ બજેટમાં જોગવાઇ કરવામાં આવેલ છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતુ કે, બ્લ્યુ ફ્લેગ એક વિશ્વ સ્તરીય માન્યતા પ્રાપ્ત ઇકોટેગ છે. કોઇપણ સમુદ્રી બીચને વિવિધ આંતરરાષ્ટ્રીય માપદંડો જેવા કે પર્યાવરણ શિક્ષા અને સૂચના, પાણીની ગુણવત્તા, બીચનું સંરક્ષણ વગેરેના આધારે બ્લ્યુ ફ્લેગ બીચ તરીકેની માન્યતા પ્રાપ્ત થાય છે. ભારતમાં હાલ આવા કુલ ૮ બ્લ્યુ ફલેગ બીચ છે. જેમાં શિવરાજપુર બીચને બ્લ્યુ ફલેગ આંતર-રાષ્ટ્રીય બીચ તરીકે માન્યતા મળેલ છે. જી આપણા માટે ગૌરવની વાત છે. બ્લ્યુ ફ્લેગ બીચના વિકાસ સાથે પ્રવાસનને વેગ તેમજ સ્થાનિક સ્ત્તરે રોજગારીની તકો સર્જાશે તેમજ રાજ્યનો સમુદ્રી તટ આંતર રાષ્ટ્રીય સ્તરે વિકસિત તટ તરીકે ઉપસી આવશે. બ્લ્યુ ફલેગ બીચના આ મહત્ત્વને ધ્યાને લઇ રાજયના જુદા-જુદા સ્થળોએ બ્લ્યુ ફ્લેગ બીચના વિકાસ કરવા માટે સરકારે બજેટમાં જોગવાઇ કરાઈ છે.
તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ખેલાડીઓ પ્રગતિ કરે તે માટેના પ્રયત્નો ખેલ મહાકુંભ મારફત સરકારે આદર્યા છે. હમણાંજ માન.વડાપ્રધાન દ્વારા ૧૧મા ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો જેમાં અંદાજે ૫૫ લાખ રમતવીરોએ ભાગ લઈ રહ્યાં છે. તાજેતરમાં, પેરા-ટેબલ ટેનીસની રમતમાં ગુજરાતે સીલ્વર મેડલ મેળવેલ છે. જે રાજય માટે ગૌરવની વાત છે.
મંત્રીએ કહ્યું હતુ કે, આયુષ્માન ભારત-હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ આગામી પાંચ વર્ષમાં ૩૩ નવી ઇન્ટીગ્રેટેડ ડિસ્ટ્રીકટ પબ્લીક હેલ્થ લેબોરેટરીની સ્થાપના, ૬ જીલ્લા હોસ્પિટલો ખાતે ૧૦૦ પથારીવાળા ક્રિટિકલ કેર બ્લોક્સ, ૧૫ જીલ્લા હોસ્પિટલો ખાતે ૫૦ પથારી વાળા ક્રિટિકલ કેર બ્લોક્સ અને ૧૧ મેડીક્લ કોલેજો ખાતે ૫૦ પથારીવાળા ક્રિટિકલ કેર બ્લોક્સની સ્થાપના કરવામાં આવશે.  રાજ્યમાં કુપોષણ અને એનિમિયાથી થતા બાળ મૃત્યુમાં ઘટાડો કરવા માટે સગર્ભા માતાઓને સહાય આપવા માટેની પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો વ્યાપ વધારવા માટે આ બજેટમાં નોધપાત્ર જોગવાઇ કરેલ છે.
તેમણે કહ્યું હતુ કે, ૩૦૦૦ થી વધુ વસ્તી ધરાવતી અંદાજે ૪૦૦૦ ગ્રામ પંચાયતોમાં માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરવા તેમજ ગ્રામજનોનું જીવન ધોરણ ઊંચુ લાવવા “ગ્રામ અસ્મિતા યોજના” શરૂ કરેલ છે. જે અંતર્ગત લોકોમાં વાંચન થકી જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે જાહેર ગ્રંથાલયો બનાવવા, ગામ લોકોના સ્વાસ્થ્યને સુદૃઢ બનાવવા માટે કસરતના સાધનો પુરા પાડવા, ગામના સ્મૃતિ સ્મારકોનું રીપેરીંગ, ગામનું ગેઝેટીયર બનાવવું, સરકારી કચેરી ઉપર સોલર રૂફ ટોપ જેવી સગવડો આપવા બજેટમાં જોગવાઇ કરી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, પંચાયત વિભાગના વહીવટી માળખાને સુદ્ઢ કરવાના ભાગરૂપે ૧૩૦૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આગામી વર્ષ ૨૦૨૨-૨૩ માં પણ પંચાયત વિભાગની વિવિધ સંવર્ગની વર્ગ ૩ ની વધુ ૩૦૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવાનું આયોજન છે. ભારતનેટ પ્રોજેકટને આગળ વધારતા સમાંતર કનેક્ટિવિટી દ્વારા ગામમાં આવેલી શાળાઓ, આંગણવાડી, સ્વાસ્થ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન અને સરકારી વિભાગોની ક્ષેત્રિય કચેરીઓને હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટીવીટીથી જોડવા ગામડાઓમાં ફ્રી વાઇ-ફાઇની સુવિધા આપવામાં તેમજ ભારતનેટ પ્રોજેક્ટના બીજા તબકકા હેઠળ જરૂરી માળખાગત સુવિધાઓ સાથે ૪૦૦ OLT (ઓપ્ટિકલ લાઇન ટર્મિનલ) શેલ્ટરોની સ્થાપના કરવાનું સરકારે આ બજેટમાં આયોજન કર્યું છે.  
મંત્રીએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠાના છેવાડાના ગામોમાં જળસલામતી પ્રદાન કરવા માટે ચાર જુદી જુદી જગ્યાએ ૨૭ કરોડ લીટર (૨૭૦એમ.એલ.ડી.) ક્ષમતાના ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાના કામો કન્સેશનરને સોંપવામાં આવેલ છે તેમજ પર્યાવરણીય મંજુરી મેળવવામાં આવેલ છે તથા જમીન આપવામા આવેલ છે. હાલ વિગતવાર ડીઝાઇન એન્જીનીયરીંગ અને સર્વેક્ષણની કામગીરી પ્રગતિ હેઠળ છે.

(10:45 am IST)