News of Wednesday, 14th February 2018

જૂના વાહનોમાં HSRP લગાવવાની મુદત ૩૧ માર્ચ સુધી લંબાવાશે

એચએસઆરપી માટેની મુદત આવતી કાલે તા. ૧પ ફેબ્રુઆરીએ પુરી થાય છે આરટીઓ અને ડીલરોની ધીમી ગતિની કામગીરીઃ હજુ ૭૦ ટકા જૂના વાહનોમાં નંબર પ્લેટ લગાવવાની બાકી

અમદાદવાદ તા. ૧૪ :.. રાજયભરનાં જૂના વાહનોમાં એચએસઆરપી (હાઇ સીકયોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ) લગાવવાની મુદત આવતી કાલ ૧પ ફેબ્રુઆરીએ પુરી થઇ રહી છે. જો કે હજુ પણ રાજયભરનાં ૭૦ ટકાથી વધુ જૂના વાહનોમાં નંબર પ્લેટ લગાવવાની કામગીરી બાકી છે, જેના કારણે ફરી એક વાર નંબર પ્લેટ લગાવવાની મુદતમાં વધારો કરી ૩૧ માર્ચ સુધીની સમય મર્યાદા નિયત કરશે. આવતી કાલ સુધીમાં આ અંગેની સત્તાવાર જાહેરાત થાય તેવી શકયતા છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજય સરકારે તમામ વાહનોમાં હાઇ સીકયોરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવાનો આદેશ કર્યો હતો. ૧પ જાન્યુઆરી સુધીમાં આ કામગીરી થઇ શકે તેમ ન હોઇ સરકારે ૧પ ફેબ્રુઆરી સુધીની સમય મર્યાદામાં વધારો કર્યો હતો પરંતુ આ સમય મર્યાદાનો પણ આવતી કાલે અંતિમ દિવસ છે ત્યારે હજુ પણ ૭૦ ટકાથી વધુ વાહનોમાં નંબર પ્લેટ લગાવવાની બાકી હોઇ આરટીઓ તંત્રની કામગીરીની ક્ષમતાના પ્રશ્નાર્થ વચ્ચે ફરી એક વાર ૩૧ માર્ચ સુધીની સમય મર્યાદા વધારવાનાં ચક્રો ગતિમાન થયા છે.

રાજયભરમાં અંદાજે બે કરોડ ત્રીસ લાખ જેટલાં વાહનોમાં એચએસઆરપી લગાવવાની કામગીરી ચાલુ છે ત્યારે છેલ્લા બે મહિના દરમિયાન માત્ર રપ લાખ જેટલાં વાહનોમાં નંબર પ્લેટ લાગી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે. એકમાત્ર અમદાવાદમાં જો ૧૧ લાખ જેટલાં વાહનોમાં નંબર પ્લેટ લગાવવાનો ટાર્ગેટ પુરો કરવો હોય તો રોજની ર૦,૦૦૦ થી વધુ નંબર પ્લેટ લગાવવી પડે. અમદાવાદ આરટીઆરોમાં રોજની અંદાજે ૧ર૦૦ જેટલી નંબર પ્લેટ જૂના વાહનોમાં લાગે છે. આ જોતા રાજયભરના આરટીઓની પરિસ્થિતી એકસરખી રહેશે તો સરકાર ગમે તેટલી વાર સમય મર્યાદામાં વધારો કરે તો પણ દિલ્હી દૂર રહેશે.

આજના એક અંદાજ મુજબ શહેરના ૯,૬૦,૦૦૦ વાહનો હજુ પણ એચએસઆરપી વગરના છે. આ જ ગોકળગતિએ કામ ચાલે તો વધુ ૧ર મહિનાના સમયની જરૂર પડે છે. જૂના નવા વાહનોમાં એચએસઆરપી લગાવવા માટે રાજયની તમામ આરટીઓમાં સ્ટાફની કમી છે, જેમાં વધારો કરતા છતા અને સમય પણ સવારના ૧૦-૩૦ના બદલે ૯થી ૬નો કરવા છતાં કોઇ પણ સંજોગોમાં ૩૧ માર્ચ સુધી કામગીરી પૂરી થવાની શકયતા નથી. આ અંગે વાહન વ્યવહાર પ્રધાન આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે સુપરીમ કોર્ટના આદેશ મુજબ એચએસઆરપી લગાવવાની કામગીરી ઝડપભેર પૂરી કરાશે, જોકે રાજયમાં વાહનોની સંખ્યા વધારે હોઇ નિશ્ચિત સમયગાળામાં આ કામગીરી શકય નહીં હોઇ ૩૧ માર્ચ સુધીની સમયમર્યાદા વધારવામાં આવશે અને એ સમયમર્યાદામાં કામગીરી પૂરી થાય તે માટે ડિમ્ડ આરટીઓની સંખ્યા વધારવા સહિતની અનેક બાબતો પર ગંભીરતાથી વિચારણ હાથ ધરાશે.

અમદાવાદમાં ૯૦ સહિત રાજયભરમાં ૩પ૦થી વધુ એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરવા માટે ડિમ્ડ આરટીઓ ઉભી કરવામાં આવી છે. બીજી તરફ આરટીઓ પાસે પણ જુના વાહનોનો કોઇ ચોક્કસ ડેટા નથી. ૧પ ફેબ્રુઆરીની સમયમર્યાદાનો આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે વાહન ચાલકો નવી નંબર પ્લેટ ફિટ કરવા દોડધામ કરી રહ્યા છે. આ ધસારો જોતા પણ તંત્ર પાસે કોઇ ઠોસ વ્યવસ્થા નથી. ડિમ્ડ આરટીઓને એસચએસઆરપી ફિટ કરવાના હક આપતા તેઓ વાહન માલિકો પાસેથી વધુ રકમ લેતા હોવાની ફરીયાદમાં વધારો થઇ રહ્યો છે.

એક તબક્કે આરટીઓએ જાહેર કર્યું હતું કે કોઇ પણ વ્યકિત એપોઇન્ટમેન્ટ વગર તેનું વાહન આરટીઓમાં લાવીને નંબર પ્લેટ લગાવી શકશે, પરંતુ તંત્રના અણધડ વહીવટના કારણે કોઇ પણ વ્યકિતએ નંબર પ્લેટ આરટીઓના ઓછામાં ઓછા ત્રણથી ચાર ધક્કા ખાવા પડે તેવી વ્યવસ્થાના કારણે છેવટે તેઓને એજન્ટના શરણે જવાની ફરજ પડે છે. 

(8:09 pm IST)
  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST

  • સુરતમાં ૩ બાળક સાથે પૂજારીએ દુષ્કર્મ કર્યુ : ફરીયાદ : નવસારી બજાર વિસ્તારની ઘટના : ગોખી તળાવના મંદિરના પૂજારી વિરૂદ્ધ ફરીયાદ access_time 12:23 pm IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST