Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

માનવ અધિકારમાં શિક્ષાત્મક પગલાં ભરવા માટે અરજી

સોલા પોલીસને સરઘસ કાઢવું ભારે પડ્યું :કોરોના દરમિયાન કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા મહામારીને નાથવા માટે કેટલાક માર્ગદર્શન આપવામાં આવેલ છે

અમદાવાદ,તા.૧૪ : દારૂના કેસના આરોપીને ઢોર મારમારી ચાંદલોડિયા વિસ્તારમાં દોરડા સાથે બાંધી સરઘસ કાઢવા બદલ માનવ અધિકાર પંચમાં સોલા પોલીસ સ્ટેશનનના પીઆઈ, પીએસઆઈ સહિત પાંચ જણા સામે માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ કલમ ૧૨ હેઠળ કાર્યવાહી કરી કલમ ૧૮ મુજબ શિક્ષાત્મક પગલા ભરવાની અરજી કરવામાં આવી છે. કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહામારીને નાથવા માટે એપેડેમીક કાયદા હેઠળ કેટલાક માર્ગદર્શન આપવામાં આવેલ છે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવો તેમજ સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવું. આરોપી તરફથી માનવ અધિકાર પંચમાં થયેલ ફરિયાદ મુજબ ગત તા. ૧૦મી સપ્ટેમ્બરે સોલા પોલીસે આરોપી સંજય દુબેને ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી સોલા પોલીસ સ્ટેશન લાવ્યા હતા

               જ્યાં સાંજે મારમારી દોરડા વડે બાંધી ૯ જીપ સાથે ચાંદલોડિયામાં જાહેર રોડ શો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. આ અંગે સંજય દુબે તરફથી અરજદાર આશાબેન દુબેએ માનવ અધિકાર પંચમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા, પીએસઆઈ જયદિપ સિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિં, કોન્સ્ટેબલ ગોપાલ સિંહ અને રઘુવીરસિંહ સામે ફરિયાદ કરી માનવ અધિકારોનું બંધારણીય હકો અને સ્વતંત્રતાનો ભંગ કરી આરોપીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા બદલ શિક્ષાત્મક પગલા ભરવાની માંગણી કરી છે. અન્ને ઉલ્લેખનીય છે કે, આરોપીના વકીલ અયાઝ શેખે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ નોંધવી સોલા પોલીસના પીઆઈ સહિત પાંચ જણા સામે ૨૦૦-૩૦૦ માણસોનું ટોળુ ભેગુ કરી સરઘસ કાઢી એપેડેમીક એક્ટ અને માનવ અધિકારોનું હનન કરવા બદલ આઈપીસીની કલમ હેઠળ ફરિયાદ ૧૧મી સપ્ટેમ્બરે કરેલ છે.

(9:48 pm IST)