Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

સ્ટેચ્યુ ઑફ યુનિટીનાં ઈ-રિક્ષા ચાલક ગંગાબેન તડવીએ પ્રવાસીનું આઇપેડ પરત કરી પ્રમાણિકતા બતાવી

DYSP જયવીરસિંહ ઝાલાએ ટેક્નોલોજીના માધ્યમથી પ્રવાસીના પુત્રનો સંપર્ક કરી આઇપેડ પરત કર્યું, પ્રવાસી થયા ભાવવિભોર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે અને તેમાં ફરજ બજાવતા પ્રમાણિક કર્મયોગીઓનો નિઃસંદેહ સિંહફાળો રહ્યો છે.અત્રે આવતા પ્રવાસીઓ ઘણી વખતે પોતાની કિંમતી વસ્તુઓ પ્રવાસના સ્થળોએ ભુલી જતાં હોય છે અથવા પડી જતી હોય છે પરંતુ ત્યાં ફરજ બજાવતા કર્મયોગીઓએ હંમેશા પ્રમાણિકતા સાબિત કરી છે. આ અગાઉ રૂ. ૭૦,૦૦૦ ભરેલ પાકીટ, સોનાની ઝવેરાત ભરેલ પાકીટ પણ પરત કરેલ હતું.ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહિલા ઈ-રિક્ષા ચાલકે કર્ણાટકના પ્રવાસીનું  આઇપેડ પરત કર્યું છે.    

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ-રિક્ષા ચાલક ગંગાબેન તડવીની રિક્ષામાં કર્ણાટકના પ્રવાસી અશોકભાઈ એપલ કંપનીનું આઇપેડ પ્રો ભૂલી ગયા હતા જેથી રિક્ષાચાલક બહેને મામલાની ગંભીરતા સમજીને તુરંત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને  પ્રવાસન નિયમન સત્તામંડળના DYSP જયવીરસિંહ ઝાલાનો રુબરુ સંપર્ક કર્યો હતો. નવયુવાન  DYSP ઝાલાએ આઇપેડનું કોન્ટેક્ટ લિસ્ટ જોતા તેમાં કન્નડ ભાષામાં નંબર સાચવેલ હતા જેથી આઈપેડમાં facetime એપ્લિકેશન મારફતે છેલ્લે ડાયલ કરેલ નંબર પર વીડિયો કોલિંગ કરતા પ્રવાસીના પુત્રનો સંપર્ક કરી તેમની સાથે  અંગ્રેજી ભાષામાં વાતચીત કરીને પ્રવાસીને વહીવટી કાર્યાલય ખાતે બોલાવી આઇપેડની માલિકીની ખરાઈ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી રીક્ષા ચાલક મહિલા ગંગાબેન તડવીના હસ્તે પ્રવાસી અશોકભાઈને તેમનું આઇપેડ પરત કર્યું હતું.
પ્રવાસી અશોકભાઈ મહિલા રિક્ષા ચાલક ગંગાબેન તડવીની પ્રામાણિકતા જોઈ ભાવવિભોર થયા હતા અને હ્રદયથી આભાર વ્યકત કર્યો હતો અને મહિલા રિક્ષાચાલકની પ્રામાણિક કામગીરીને SOUADTGAના ઉચ્ચ અધિકારીઓએ બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા

   
(10:16 pm IST)