Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

આણંદ નજીક જીટોડીયામાં સર્જાયેલ અકસ્માતમાં એક શખ્સનું મૃત્યુ

આણંદ : આણંદ પાસેના જીટોડીયા નજીક આવેલ અંધારીયા ચકલા પાસે ગઈકાલ મોડી રાત્રીના સુમારે કોઈ અજાણ્યા વાહને એક ટેમ્પીને પાછળથી ટક્કર મારતા ટેમ્પી ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને ટેમ્પી પલટી ખાઈ ગઈ હતી. 

આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ તાલુકાના નાવલી ગામે હીરીયાવાડમાં રહેતા કિશનકુમાર શાંતિલાલ ઠાકોર ખેડૂત છે અને ખેતરમાં તેઓ શાકભાજીનું વાવેતર કરે છે. ખેતરેથી માર્કેટમાં શાકભાજી લઈ જવા માટે તેઓ ટેમ્પી ઉપયોગમાં લે છે. ગઈકાલ રાત્રીના લગભગ અઢી કલાકના આસપાસના સુમારે તેઓ કાકાના દિકરા ધર્મેશભાઈ ચેતનભાઈ ઠાકોરને લઈ ટેમ્પીમાં શાકભાજી ભરી આણંદ ખાતે આવવા નીકળ્યા હતા. દરમ્યાન મોડી રાત્રીના ત્રણ કલાકની આસપાસના સુમારે તેઓની ટેમ્પી અંધારીયા ચકલા થઈ આણંદ તરફ આવી રહી હતી ત્યારે પાછળથી પૂરઝડપે આવી ચડેલ અજાણ્યા ફોરવ્હીલ ગાડીના ચાલકે પોતાનું ગફલતભરી રીતે હંકારી ટેમ્પીને જોરદાર ટક્કર મારી હતી. જેમાં ટેમ્પી ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પી પલટી ખાઈ ગઈ હતી અને ધર્મેશભાઈ ઠાકોર ટેમ્પી નીચે દબાઈ ગયા હતા. આ અકસ્માતમાં તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. બીજી તરફ અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે કિશનકુમાર ઠાકોરે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:25 pm IST)