Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022

સુરત:ભાટપોર વિસ્તારમાં પુત્રીનો પીછો કરનાર રોમિયોને માતા-પિતાએ મેથીપાક ચખાડ્યો

સુરત: ભાટપોર જીઆઇડીસી વિસ્તારમાં રહેતી અને નર્સીંગનો અભ્યાસ કરતી તરૂણીનો વારંવાર પીછો કરી પોતાની સાથે કેમ બોલતી નથી, મારે તારી સાથે દોસ્તી કરવી છે એમ કહી કનડગત કરનાર યુવાનને તરૂણીના માતા-પિતાએ માર મારી ઇચ્છાપોર પોલીસને હવાલે કર્યો છે. જયારે યુવાને તરૂણીના માતા-પિતા વિરૂધ્ધ માર માર્યાની ફરીયાદ નોંધાવી છે. હજીરા રોડના ભાટપોર વિસ્તારના ફાર્મ હાઉસના પરપ્રાંતિય વોચમેનની પુત્રી રૂપાલી (ઉ.વ. 17 નામ બદલ્યું છે) અમરોલી વિસ્તારની હોસ્પિટલમાં નર્સીગનો અભ્યાસ કરે છે. રૂપાલી પડોશમાં રહેતા ગુડ્ડુસીંગને ત્યાં રસોઇ બનાવવા જતી હતી ત્યારે ત્યાં રહેતા નવલ કિશોર પાંડે (ઉ.વ. 28 મૂળ રહે. નગમા, તા. સિતલાહા, જિ. રીવા, મધ્યપ્રદેશ) સાથે મિત્રતા થઇ હતી. બંને મોબાઇલ પર નિયમીત રીતે વાતચીત કરતા હતા. પરંતુ રૂપાલીના માતા-પિતાને જાણ થઇ જતા તેને ઠપકો આપ્યો હતો. જેથી રૂપાલીએ નવલ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી રૂપાલી જયાં અભ્યાસ માટે જતી હતી ત્યાં પાછળ-પાછળ નવલ ઘસી જતો હતો અને તું મારી સાથે કેમ વાત કરતી નથી, મારે તારી સાથે દોસ્તી કરવી છે એવું કહેતો હતો.

આ અંગે રૂપાલીએ તેના પિતાને જાણ કરતા તેમણે નવલનો ઠપકો આપી તું મારી છોકરીનો પીછો કેમ કરે છે એવું કહ્યું હતું. જો કે જે તે વખતે નવલે હવે પીછો નહીં કરીશ એમ કહ્યું હતું. પરંતુ ત્યાર બાદ પણ નવલે પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું અને રૂપાલીને ફોન કરી ગાળાગાળી કરવા ઉપરાંત હોસ્પિટલ અને રૂપાલીની ફ્રેન્ડને ફોન કરી ધાક-ધમકી આપી હતી. ગત રોજ રૂપાલી હોસ્પિટલથી ઘરે આવી ત્યારે પણ નવલ પીછો કરતા ઘરે પહોંચી ગયો હતો. જેથી રૂપાલીના માતા-પિતાએ નવલને માર મારી ઇચ્છાપોર પોલીસને હવાલે કર્યો હતો.

(6:04 pm IST)