Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022

નડિયાદ રૂરલ પોલીસે મધ્યરાત્રીએ ડભાણ નજીક ડિવાઈડર પર ચડી ગયેલ ટેમ્પામાંથી 2 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો

નડિયાદ : નડિયાદ રૂરલ પોલીસે મધરાત્રે નેશનલ હાઇવે નં.૪૮ પર ડભાણ નજીક ડિવાઈડર પર ચડી ગયેલ ડાલું ટેમ્પામાંથી રૂ.૨,૩૪,૦૦૦નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ તેમજ ટેમ્પો મળી કુલ રૂ.૩,૮૯,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નડિયાદ રૂરલ પોલીસ ટીમ શુક્રવારે રાત્રે પેટ્રોલીંગમાં નીકળેલી ત્યારે નેશનલ હાઇવે નં. ૪૮ ડભાણ નજીક એક હોટલ સામે વડોદરા તરફના ડિવાઇડર પર ચડી ગયેલા પીક-અપ ડાલુ ટેમ્પો જોવા મળ્યો હતો. જેથી પોલીસે અકસ્માત ગ્રસ્ત ટેમ્પાની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ નં.૪૬૮ કિંમત રૂ.૨,૩૪,૦૦૦ નો જથ્થો તેમજ એક મોબાઇલ રૂ.૫,૦૦૦ નો મળી આવ્યો હતો.

જેથી પોલીસે હાઇવે પેટ્રોલિંગ મોબાઈલનો સંપર્ક કરી ક્રેઈનથી ડિવાઈડર પરથી ટેમ્પાને ઉતારી વિદેશી દારૂ તેમજ રૂપિયા દોઢ લાખનો ટેમ્પો મળી કુલ રૂ.૩,૮૯,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટેમ્પો ચાલક અકસ્માત સર્જાતા પીક-અપ ડાલુ વાહન મૂકી નાસી ગયો હતો. આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી..

(5:58 pm IST)