Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022

તમારૂ બેંક બેલેન્સ કરી શકે છે ખાલી : સાયબર એકસપર્ટની ચેતવણી

બોલીવુડની લેટેસ્ટ ફિલ્મ મફતમાં જોવા માટેની વાયરલ લિંક પર કિલક કરતા પહેલા સંભાળજો

અમદાવાદ, તા.૧૪: બોલિવુડની લેટેસ્ટ ફિલ્મ જોવા માટેની લિંક વાયરલ કરવામાં આવી છે. જેમાં તમે કિલક કરો તો ફિલ્મ જોઇ શકાય કે નહિ તે નસીબની વાત છે, પરંતુ આવી લિંક પર કિલક કરવાથી તમારૂ બેંક બેલેન્સ ખાલી થઇ શકે છે. આ એક ફિશીંગ લિંક છે. જેનો ઉદ્દેશ્ય જે વ્યકિત કિલક કરે તેના ડિવાઇઝમાં જઇને આઈ-ડી પાસવર્ડ સહિતની વિગતો ચોરવાની છે. જો આ પ્રકારના કિસ્સાઓમાં ખાસ ધ્યાન રાખવામાં ન આવે તો તમારૂ ખીસ્સુ ખાલી થઇ શકે છે તેવી ચેતવણી સાયબર એકસપર્ટ આપી રહ્યા છે.

તેમના મુજબ જ્યારે કોઇ નવી ફિલ્મ અથવા વેબ સીરીઝ આવે ત્યારે સાયબર માફિયાઓ એકટીવ થઇ જાય છે. અને મફતમાં એચ.ડી કવોલીટીની પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટેની લિંક ફરતી કરી દે છે. હાલમાં ધી કાશ્મીર ફાઇલ ફિલ્મ મફતમાં જોવા માટેની લિંક વાયરલ થઇ છે. એકબીજાને મદદ કરવાના ઉદ્દેશ્યથી આ પ્રકારની લિંક આસાનીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. પરંતુ આ લિંક વાયરલ કરવાનો ઉદ્દેશ્ય મફતમાં મનોરંજન પીરસવાનું ક્યારેય નથી હોતુ. તેનો ઉદ્દેશ્ય ડિવાઇઝમાં એન્ટર થઇને સાયબર માયાજાળમાં ફસાવવાનું હોય છે.

હાલમાં ધી કાશ્મિર ફાઇલ ફિલ્મ મફતમાં જોવા માટે બે લિંક વાયરલ થઇ છે. વાયરલ લિંક અંગે વધુ અભ્યાસ કરતા માલુમ પડ્યું કે, આની પર કિલક કરવાથી ડિવાઇઝના ડેટા, સર્ચ હિસ્ટ્રી મહત્વની એપ્લીકેશનના આઇડી પાસવર્ડ સુધીની વિગતો અન્ય વ્યકિત સુધી પહોંચી શકે છે. આમાં ખાસ કરીને બેંન્કિંગ માલવેર મુકવામાં આવ્યો છે.

જે બેંકની ડિટેલ્સ આસાનીથી ડિવાઇઝમાંથી મેળવી શકે છે. વાયરલ લિંકમાં અમેરિકાના સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની મોટાભાગની ડિટેલ છુપાવવામાં આવેલી છે. આ લિંક રવિવારે બપોરે એકટીવ કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.

(3:32 pm IST)