Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

વધુ મતદાનથી કોને ફાયદો? બંને પક્ષ જીતના દાવા કરે છે...

૧૯૯૦ પહેલા યોજાયેલી ચૂંટણીમાં ઓછા મતદાનમાં કોંગ્રેસને ફાયદો થતો હતોઃ ૧૯૯૦ પછી : આ મતદાન પેટર્નમાં સુધારો થયો છે, જેમ મતદાન વધે તેમ ભાજપને ફાયદો થતો રહ્યો

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. મંગળવારે પ્રચાર કાર્ય પૂર્ણ થયા બાદ મતદાન મથકની ગોઠવણ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. જૂની વાત યાદ કરીએ તો વર્ષ ૧૯૯૦ પહેલા યોજાયેલી ચૂંટણીમાં ઓછા મતદાનમાં કોંગ્રેસને ફાયદો થતો હતો. ૧૯૯૦ પછી આ મતદાન પેટર્નમાં સુધારો થયો છે. જેમ મતદાન વધે તેમ ભાજપને ફાયદો થતો રહ્યો છે.૧૯૮૦ના દાયકામાં વિધાનસભાની ચૂંટણીઓ થઇ ત્યારે એવો સમય હતો કે ૫૦ ટકા સુધી પણ મતદાનનો આંકડો પહોંચતો ન હતો.

૧૯૮૦ની ચૂંટણીમાં ૪૮% અને ૧૯૮૫ની ચૂંટણીમાં ૪૮.૮૨% મતદાન થવા પામ્યું હતું. ૧૯૯૦ની ચૂંટણીમાં ૫૨.૨૩% મતદાન થયું, તે સાથે પ્રથમવાર રાજયમાં ભાજપ અને જનતાદળની સંયુકત સરકાર આવી, તે પછી જેમજેમ મતદાનની ટકાવારી વધી, તેમતેમ ભાજપની બેઠકો પણ વધવા લાગી હોય તેવી સ્થિતિ અત્યાર સુધી ટકી રહી છે. મતદાન વધે તે માટે સેલ્ફી લઈને ટીવી અને સોશિયલ મિડિયામાં મુદ્દો વહેતો મૂકી દેતા હોય છે. ભાજપને વધુ મતદાન સાથે વિજયનું લેણું છેલ્લા ૨૫ વર્ષ સુધી સત્ત્।ામાં આવવા માટે જળવાઈ રહ્યું છે. ૧૯૯૦માં ૫૦% ઉપર મતદાન ગયું તેમાં મધ્યમ વર્ગના મતદારોનો સૌથી વધુ હિસ્સો હતો, તેવું ભાજપના વિશ્લેષણમાં બહાર આવ્યું તે પછી મહત્ત્।મ મતદાન થાય તે માટે ભાજપના નેતા રાત-દિવસ એક કરી નાખે છે. મતદાનના દિવસે કાર્યકરોને ભાજપના નેતાઓ વિધાનસભા મત વિસ્તારમાં ફરીને તમામ વ્યવસ્થા સાચવવા સાથે પોરસ ચડાવતા રહે છે. મતદાનના દિવસે બોગસ મતદાન કરવા સુધીનું ઝનૂન ભાજપના કાર્યકરોમાં અમસ્તું નથી હોતું. શહેર વિસ્તારમાં સૌથી વધુ આ ટ્રેન્ડ પોળમાં જોવા મળતો હોય  છે.

ભાજપને સંપૂર્ણ બહુમતી આવી તો ૧૯૯૫ના વર્ષમાં મતદાનની ટકાવારી રોકેટ ગતિએ વધી અને આંકડો સીધો ૬૪.૩૯ ટકા ઉપર પહોંચી ગયો. તેના કારણે ભાજપમાં પણ એ વાત દ્રઢ થઇ કે વધુ મતદાન ભાજપ માટે ફાયદાકારક છે એટલું જ નહિ મધ્યમ વર્ગ જ ભાજપની પરંપરાગત વોટ બેન્ક છે. ૯૦દ્ગટ દાયકો ભાજપના ઉદયનો હતો. ત્યારે ભાજપના જે નેતાઓ – ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવ્યા, તેઓ પણ મધ્યમ વર્ગના જ હતા તેનો ફાયદો પણ ભાજપને મળતો ગયો.

૨૦૦૭માં મતદાનની ટકાવારી ૫૯.૭૭ ટકા થતાં ભાજપના નેતાઓએ ૨૦૧૨ની છેલ્લી ચૂંટણીમાં કોઈ કસર ન છોડી અને મતદાન પ્રથમવાર ઐતિહાસિક રીતે સૌથી વધુ ૭૨ ટકા નોંધાયું અને ભાજપના તે વિજયે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા ભણીનો પાયો પણ નાખી દીધો. વધુ મતદાન માટે ચૂંટણીપંચ દ્વારા પણ છેલ્લા દોઢ દાયકાથી જે પ્રયાસ કરવામાં આવે છે, તેનો લાભ પણ અકસ્માતે ભાજપને મળી રહ્યો છે. જેમાં મતદાન વધે તે માટે સેલેબ્રિટી દ્વારા પ્રચાર ઝુંબેશ ચલાવવી, મતદાર જાગૃતિ વાહન ફરતા કરવા, મતદાન કેન્દ્રમાં મતદારો માટે વધુ સુવિધા ઉભી કરવા જેવા અનેક પગલાં લેવામાં આવે છે.

વધતા મતદારની સાથે ભાજપની વધતી બેઠકોની સંખ્યા

વર્ષ

ટકાવારી

બેઠક

૧૯૯૦

૫૨.૨૩

૬૭

૧૯૯૫

૬૪.૩૯

૧૨૧

૧૯૯૮

૫૯.૩૦

૧૧૭

૨૦૦૨

૬૧.૫૫

૧૨૭

૨૦૦૭

૫૯.૭૭

 ૧૧૭

૨૦૧૨

૭૨.૦૨

૧૧૫

(11:55 am IST)