Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

નર્મદામાં ભારે વરસાદ :ડેડિયાપાડામાં અને સાગબારામાં રસ્તાઓ, નાળાઓનું ભારે ધોવાણ: નદી - નાળા છલકાયા

કરજણ નદી, તરાવ નદી, દેવ નદી, ધામણખાડી, કંજાઈ ગામની નદી અને ખાડીઓમાં ઘોડાપુર

નર્મદા જિલ્લામા છેલ્લા પાંચ દિવસથી સતત સારો વરસાદ થઈ રહ્યો છે, જેમાં ગત એક જ રાતમાં તિલકવાડા, નાંદોદ અને ગરુડેશ્વર ત્રણ તાલુકાઓમાં દોઢ ઇંચ જયારે ડેડિયાપાડામાં અને સાગબારા તાલુકામા એક એક ઇંચ વરસાદ થયો છે.

ડેડિયાપાડામાં અને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણ નદીમા ભારે પાણીની આવક થતા કરજણ ડેમ 58% થી વધીને 76.25% ભરાઈ ગયો છે.કરજણ ડેમની સપાટી 110.62 મીટરે પહોચી છે, કરજણ ડેમમાં 5060 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.ડેમમા સિંચાઈ માટે અને પીવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હોવાથી ડેમ માથી પાણી છોડવામાં આવતું નથી.બન્ને સ્મોલ હાઇડ્રોપાવર પણ બંધ રાખ્યા હોવાથી હાલ વીજ ઉત્પાદન પણ બંધ છે.

છેલ્લા પાંચ દિવસથી ડેડિયાપાડામાં અને સાગબારા તાલુકાઓમા ભારે વરસાદ નોંધાતા બન્ને તાલુકાઓમાં રસ્તાઓ, નાળાઓનું ભારે ધોવાણ થયું છે.આ બન્ને તાલુકાઓમા મુશળધાર વરસાદથી કરજણ નદી, તરાવ નદી, દેવ નદી, ધામણખાડી, કંજાઈ ગામની નદી અને ખાડીઓમાં વરસાદના પાણીના ઘોડાપુર આવ્યા છે.મોટી પરોડી, ખોચર પાડા નદી અને ખાડી કોતરોમાં ઝરણાંઓમા ચેકડેમોમાં વરસાદના પાણી વહેતાં થયા હતા.

ઘણી ખરી જગ્યાએ વીજળી પડવાના બનાવો પણ બની રહ્યા છે.ભારે વરસાદને કારણે ડેડીયાપાડા તાલુકામાં અંદાજિત 15 કિલોમીટરનો રસ્તો ધોવાઈ ગયો છે.દેવ નદી ઉપરના બે મોટા નાળા વરસાદથી ધોવાયાં છે.જેથી કણજી, વાંદરી, માથાસર, ડુડાખાલ, સુરપાણ, ખાલ ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.કણજી ગામ પાસે દેવ નદી ઉપર નાળું સંપૂર્ણ ધોવાઈ ગયું છે.મહારાષ્ટ્રના લોકોને પણ હાડમારી વેઠવાનો વારો આવ્યો છે.ગરૂડેશ્વર તાલુકાના છેવાડાના 3 ગામો જંતર, ગડી, લીમખેતર જવા માટે વચ્ચે આવતી 3 નદીઓમાં પાણી ફરી વળતા આ ત્રણ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે.

(6:57 pm IST)