Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સુરતમાં બારડોલી દિવસ અંતર્ગત સરદાર સન્‍માન સંકલ્‍પ યાત્રા પરવાનગી વગર યોજતા 40 કાર્યકરોની અટકાયત

આખુ સ્‍વરાજ આશ્રમ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ હતુ

સુરતઃ જીલ્લાના બારડોલીથી આજે નીકળનારી સરદાર સન્માન સંકલ્પ યાત્રાનો આજે ફિયાસ્કો થઇ ગયો હતો. પરવાનગી નહિ હોવાને કારણે પોલીસે અલગ અલગ જિલ્લાઓમાં એક બાદ એક સમિતિના કાર્યકરોને ડીટેન કરી લીધા હતા. આજે ૧૨ જુન એટલે આજના દિવસે સરદાર વલ્લભ ભાઈ પટેલને સુરત જીલ્લાના બારડોલી ખાતેથી સરદારનું બિરુદ મળ્યું હતું. આજે ૯૪ મો બારડોલી દિવસ પણ છે, ત્યારે સરદાર સન્માન સંકલ્પ સમિતિ ધ્વારા આજરોજ એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સરદાર સન્માન સંકલ્પ યાત્રા બારડોલી સ્થીવરાજ આશ્રમથી શરુ થઇ સુરત અને ત્યારબાદ રાજ્યમાં પ્રવાસ કરી અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે પહોચવાની હતી પરંતુ યાત્રાની મંજુરી નહિ હોવાને કારણે સવારથીજ બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આખું સ્વરાજ આશ્રમ જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. જોકે પોલીસે સ્વરાજ આશ્રમ ખાતે સંકલ્પ યાત્રામાં ભાગ લેવા આવતા કરમસદના અને સમિતિના અધ્યક્ષ મીથીલેસ અમીનને બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે પહોચે એ પહેલા જ રસ્તામાંથી ડીટેન કરી લીધા હતા સાથે સાથે અન્ય કાર્ય કરોને પણ ડીટેન કર્યા હતા.

સરદાર સન્માન સંકલ્પ યાત્રાને પાટીદાર અનામત આંદોલન સમિતિ ધ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. પાસના ૪૦ જેટલા કાર્યકરો જે સંકલ્પ સમિતિમાં પણ છે. તેઓ આજે બારડોલીથી આ યાત્રાની શરૂઆત કરવાના હતા પરંતુ પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા તેમજ ધાર્મિક માલવિયા સહીત ૧૭ જેટલા લોકોને પોલીસે બારડોલીના બાબેન ગામથી ડીટેન કરી લીધા હતા. જો કે અલ્પેશ કથીરિયા એ મીડિયા સાથેની વાતચીતમાં યાત્રા પાછળનો શું ઉદેશ્ય છે એ જણાવ્યું હતું.

(5:33 pm IST)