News of Saturday, 13th January 2018

મેઘરજમાં શ્વાનનો આતંક: 12 દિવસમાં 90 લોકોને કરડી જતા લોકોમાં ભયનો માહોલ

અરવલ્લી: જિલ્લાના મેઘરજ તાલુકાના જાન્યુઆરી માસના છેલ્લા ૧૨ દિવસમાં ૨૫ જેટલા ગામડાઓમાં ૯૦ જેટલા બાળકો, વૃદ્ધો, મહિલાઓને શ્વાન કરડવાના બનાવો સામે આવ્યા છે. શ્વાન કરડવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.૧૫ થી ૨૦ દિવસથી મેઘરજ તાલુકામાં શિયાળાની કાતીલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુત પુત્રો મોડી રાત્રે ખેતરોમાં પાણી વાળવા જાય છે, ત્યારે બીજી તરફ મેઘરજ તાલુકાના ઘોઘીયા, પાણીબાર, રામગઢી, પહાડીયા, મોટી મોયડી, મેઘરજ, રાયાવાડા, પંડુલી, નિલકંઠ, ઝરડા, શરથુણા, પંચાલ, ખોખરીયા, નવીવોક, રેલ્યો સહિતના ૨૫ જેટલા ગામડાઓમાં શ્વાને આતંક ફેલાવતા ફફડાટ ફેલાયો છે.

 


મેઘરજ નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ તાલુકા મથકે પોતાના ગામથી પગપાળા આવે છે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પાણી ભરવા માટે ભરબપોરે ખેતરોમાંના કુવાઓ ઉપર જાય છે, ખેડૂત પુત્રો અને મહિલાઓ મોડી રાત્રે ખેતરોમાં પાણી વાળવા જાય છે, ત્યારે હડકાયા કુતરાઓ રાહદારીઓનો પીછો કરી કરડી ગંભીર રીતે ઘાયલ કરી લોહીલુહાણ હાલત સર્જી નાખે છે.ગ્રામ્ય વિસ્તારોમાં તો કેટલાક બાળકો પોતાની માતા સાથે બારણા વગરના ઝુંપડાઓમાં ઘોરનિદ્રામાં પોઢી રહે છે ત્યારે પણ કુતરાઓ બાળકોને કાન, નાક અને આંખો ઉપર કરડી નાખ્યાના બનાવો પણ મેઘરજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નોંધાવા પામ્યા છે.

આ અંગે મેઘરજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તા. ૧-૧-૧૮ થી તા. ૧૨-૧-૧૮ એટલે કે ૧૨ દિવસમાં મેઘરજ નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શ્વાન કરડયાના ૯૦ જેટલો કેસો નોંધાવવા પામ્યા છે.સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબોના જણાવ્યા મુજબ આવા શ્વાન કરડયાના બનાવોમાં એક માસમાં ચાર ડોઝ આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ અંતરીયાળ વિસ્તારમાં પગપાળા પસાર થતાં વૃદ્ધો, મહિલાઓને પણ પીછો કરી કરડી નાખતાં આવા દર્દીઓને ગંભીર રીતે ઘાયલ થયાના બનાવો પણ નોંધાવા પામ્યા છે. જો પશુ ચિકિત્સક ખાતુ ગ્રામ્ય વિસ્તારોમાં તકેદારીના પગલા નહી લે તો હજુ પણ શ્વાન કરડવાના વધુમાં વધુ બનાવો બનશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

(5:34 pm IST)
  • હવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે ​​તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના ​​કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી. access_time 12:45 am IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીત મેળવશે : સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો આ મુલાકાત દરમ્યાન ઇનકાર કર્યો હતો. access_time 8:54 pm IST

  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST