Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારની તૈયારી : પ્રદેશ પ્રમખ, નેતા વિપક્ષ સહિતના બદલાશે

તાલુકા અને જિલ્લાસ્તરેથી પણ સંગઠનમાં કરાશે મોટું પરિવર્તન : આખા ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનમાં નવી નિયુક્તિઓ થશે

અમદાવાદ :ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી મોટું પરિવર્તન આવી રહ્યું છે. જો સિનિયરો અવગણના અને બળવાખોરી નહીં કરે તો ગુજરાત કોંગ્રેસમાં નવા ચહેરા સામે આવશે જે વિધાનસભાની 2022ની ચૂંટણીમાં મુખ્ય ભૂમિકામાં હશે. કોંગ્રેસમાં નિમાયેલા પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ સંગઠનમાં મોટો ફેરબદલ કરવાનું નક્કી કર્યું છે, જો તેમનું ધાર્યું થશે તો આ વખતે આંચકાજનક પરિણામ આવી શકે છે.

1995 અને ત્યારપછીની તમામ ચૂંટણીઓ હારી ચૂકેલી કોંગ્રેસને બેઠી કરવા માટે હાઇકમાન્ડે આ વખતે વધારે રસ લીધો છે, કારણ કે ગુજરાતમાં જે થાય છે તે આખા દેશમાં થાય છે તેવી હકીકતનો કોંગ્રેસના નેતાઓ સ્વિકાર કરી રહ્યાં છે. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતા બદલાના થાય છે અને હાલના જે નેતાઓ છે તેમના સ્થાને નવા ચહેરાને તક આપવાની છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મામલે પ્રભારી રઘુ શર્માએ સેન્સ લીધી છે. નવા ત્રણ નેતાઓએ પ્રદેશ પ્રમુખ માટે દાવેદારી કરી છે જેમાં કનુ કલસરિયા, નરેશ રાવલ અને મનહર પટેલનો સમાવેશ થાય છે. તેમણે અધ્યક્ષ બનવા માટે પ્રભારી અને હાઇકમાન્ડ સામે દાવેદારી કરી છે

જો કે પ્રદેશ પ્રમુખ માટે ભરતસિંહ સોલંકી તથા અર્જુન મોઢવાડિયાના નામની ચર્ચા થઇ રહી છે. તેમજ હાર્દિક પટેલ, જગદીશ ઠાકોર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા પૂંજા વંશનું નામ પણ રજૂ કરવામાં આવ્યું છે. કનુ કલસરિયાએ કહ્યું હતું કે, પાર્ટી મને તક આપે તો મારી પાસે રોડમેપ તૈયાર છે. જ્યારે વિપક્ષના નેતા માટે પૂંજા વંશ, શૈલેષ પરમાર અને વિરજી ઠુમ્મર સહિતના નામ રજૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસ સતત નબળું પ્રદર્શન કરી રહી છે ત્યારે પ્રભારી સાથે પ્રમુખોની બેઠક બાદ દિવાળી દરમ્યાન મોટા ફેરફારો થઇ શકે છે. કોંગ્રેસ તેનું સંગઠન તાલુકા અને જિલ્લાસ્તરેથી બદલવા માગે છે એટલે કે આખા ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનમાં નવી નિયુક્તિઓ થવાની છે.

ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રભારીનું પદ ખાલી હતું તેને કારણે પક્ષમાં અગત્યની નિમણૂકોમાં વિલંબ થતો હતો. હવે રઘુ શર્માની નિમણૂક થતાની સાથે જ તેઓ ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાના પ્રયાસોમાં લાગી ગયા છે. તેઓ કોંગ્રેસના ધારાસભ્યો તેમજ પ્રદેશના પદાધિકારીઓ સાથે વન ટુ વન બેઠક યોજીને સંગઠનને જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે

(10:47 pm IST)