Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સુરતના પલસાણા તાલુકાના કડોદરામાં પરપ્રાંતિય પરિવારની યુવતિ સાથે છેડતીઃ એસીડ એટેકની ધમકીઃ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સોસાયટીના મુખ્‍ય માર્ગ ઉપર હાથમાં હથિયાર લઇને યુવકે આતંક મચાવ્‍યો

સુરત: સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે પરપ્રાંતિય પરિવારની યુવતી રોમિયોનો ભોગ બની હતી. યુવતી તેમના જ ફળિયામાં રહેતા યુવાન દ્વારા અપશબ્દ બોલી છેડતી કરી એસિડ એટેકની ધમકી આપવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરાના પ્રિયંકા ગ્રીન સિટી ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની યુવતી લુખ્ખા ટપોરીઓનો ભોગ બની છે. ઘટના એ હતી કે યુવતીને તેમના બાજુમાં આવેલ બાલાજી નગર સોસાયટીમાં રહેતા રાહુલસિંગ નામનો યુવાન છેલ્લા ઘણા સમયથી માનસિક ત્રાસ આપી છેડતી કરી રહ્યો હતી.

આ માથાભારે યુવાન યુવતીને અવારનવાર છેડતી કરી રહ્યો હતો. યુવતી તાબે નહીં થાય તો  તેના પર એસિડ ફેંકવાની ધમકી આપતો હતો. સાથે જ યુવતી આ ટપોરીની વાત નહીં માને તો એસિડ ફેંકવા સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

રોમિયોગિરી અને લુખ્ખાગિરી પર ઉતરી આવેલા યુવકે તલવાર લઈ ફળિયામાં ખુલ્લેઆમ રાહુલે હોબાળો મચાવ્યો હતો. અને લુખ્ખાગિરીના દ્રશ્યો નજીકના સીસીટીવીમાં આખી ઘટના કેદ થવા પામી હતી. દ્રશ્યોમાં દેખાવા મુજબ સોસાયટીમાં ખુલ્લેઆમ મુખ્ય માર્ગ પર હાથમાં હથિયાર લઇને યુવક આતંક માચાવતો જોવા મળ્યો હતો.

જો કે, આ બાબતે યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. ત્યારે હવે સ્થાનિક પોલીસ પણ જો ગંભીરતા નહીં દાખવે અને યુવક સામે કાર્યવાહી નહીં કરે તો પરપ્રાંતીય વિસ્તાર કડોદરામાં આ પ્રકરણ મોટું સ્વરૂપ લે તો નવાઈ નથી.

(5:16 pm IST)