Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

બી.સી.આઈ.ની એકઝામ પાસ નહિ કરનાર ૯ હજારથી વધુ વકીલો પ્રેકટીશ કરી શકશે નહિ

ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા લેવાયેલ મહત્વનો નિર્ણય

રાજકોટ, તા. ૧૨ :. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન કિશોરકુમાર આર. ત્રિવેદી, વાઈસ ચેરમેન કરણસિંહ બી. વાઘેલા, એકઝીકયુટીવ કમિટીના ચેરમેન મનોજ એમ. અનડકટ તથા એનરોલમેન્ટ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લા એક સંયુકત અખબારી યાદીમાં જણાવે છે કે સને ૨૦૦૯ પછી દેશની કોઈપણ તાલુકા અથવા જિલ્લા અદાલતોમાં, હાઈકોર્ટમાં કે ટ્રીબ્યુનલમાં વકીલાતની પ્રેકટીસ કરવી હોય તો તેવા ધારાશાસ્ત્રીએ ફરજીયાતપણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાની ઓલ ઈન્ડીયા બાર એકઝામ પાસ કરવી પડે છે અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયા તરફથી આવા નવા નોંધાયેલા ધારાશાસ્ત્રીઓને પ્રાથમિક તબક્કામાં બે વર્ષ માટે વકીલાત કરવા માટે પરવાનગી આપવામાં આવે છે અને તે માટે તેવા ધારાશાસ્ત્રીઓ પાસેથી બે વરસમાં પરીક્ષા પાસ કરશે તે માટે બોન્ડ પણ લેવામાં આવે છે અને જો તેવા ધારાશાસ્ત્રી બે વર્ષમાં ઓલ ઈન્ડીયા બાર એકઝામીનેશન પાસ ન કરે તો અદાલતમાં કોર્ટ કાર્યવાહીમાં ભાગ લઈ શકતા નથી કે પ્રેકટીસ કરી શકતા નથી.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સને ૨૦૦૯થી ૨૦૧૯ સુધી ૩૯૪૪૫ ધારાશાસ્ત્રીઓ નોંધાયેલા છે અને તે પૈકી ૩૦૨૭૭ ધારાશાસ્ત્રીઓએ ઓલ ઈન્ડીયા બાર એકઝામીનેશન પાસ કરેલ છે અને ૯૧૬૮ ધારાશાસ્ત્રીઓએ પ્રોવીઝનલ સર્ટીફીકેટ મેળવ્યા બાદ પણ બે વરસ પુરા થયા હોવા છતાં ધારાશાસ્ત્રીઓએ ઓલ ઈન્ડીયા બાર એકઝામ પાસ કરેલ નથી. તેવી હકીકત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રેકર્ડ પર ધ્યાન પર આવતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તા. ૯-૧૦-૨૦૨૧ના રોજ મળેલ સામાન્ય સભામાં સર્વાનુમતે આવા ૯૧૬૮ ધારાશાસ્ત્રીઓને તાકીદે જ્યાં સુધી ઓલ ઈન્ડીયા બાર એકઝામ પાસ ન કરે ત્યાં સુધી વકીલાત તાકીદે બંધ કરવા માટે જાણ કરવાનું નક્કી કરવામાં આવેલ અને આવા ૯૧૬૮ ધારાશાસ્ત્રીઓની યાદી તમામ તાલુકા અને જિલ્લાની અને હાઈકોર્ટ સહિતની તમામ અદાલતોમાં તેમજ તમામ બાર એસોસીએશનોમાં મોકલી આપવા માટે નક્કી કરવામાં આવેલ છે તેમજ આવા કોઈપણ ઓલ ઈન્ડીયા બાર એકઝામ પાસ ન કરેલ વકીલો વકીલાત કરતા માલુમ પડશે તો તેમની સામે તાકીદે ન્યાયિક કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

આ મીટીંગમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાના સભ્ય દિલીપ કે. પટેલ તથા સભ્યો શંકરસિંહ એસ. ગોહિલ, દિપેન કે. દવે, સી.કે. પટેલ, હિરાભાઈ એસ. પટેલ, કીરીટ એ. બારોટ, નલીન ડી. પટેલ, રમેશચંદ્ર એન. પટેલ, જીતેન્દ્ર બી. ગોળવાલા, હિતેશ જે. પટેલ, પરેશ આર. જાની, પરેશ એચ. વાઘેલા, મુકેશ સી. કામદાર, ગુલાબખાન પઠાણ તેમજ રણજીતસિંહ રાઠોડનાઓ હાજર રહી ચર્ચામાં ભાગ લીધેલ.

(4:04 pm IST)