Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

24મીએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માર્ગદર્શિકા જાહેર

સર્વેક્ષણને લઈને ક્લસ્ટર કક્ષાએ જ સર્વેક્ષણનું સ્થળ નક્કી કરવા માટે સુચના : શિક્ષકો માટે ચાર પ્રકારના ઉપકરણ દ્વારા સર્વેક્ષણ

રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો માટે 24 ઓગસ્ટના રોજ યોજાનારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં શિક્ષકો માટે ચાર પ્રકારના ઉપકરણ દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. સર્વેક્ષણને લઈને ક્લસ્ટર કક્ષાએ જ સર્વેક્ષણનું સ્થળ નક્કી કરવા માટે સુચના અપાઈ છે. આ માટે શુક્રવારના રોજ વિડીયો કોન્ફરન્સ યોજાશે. આ સર્વેક્ષણ શિક્ષકો માટે મરજિયાત રહેશે તેવી સુચના પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

 

રાજ્યમાં 24 ઓગસ્ટના રોજ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાનાર છે. આ સર્વેક્ષણ અંતર્ગત ધોરણ-1થી 5ના શિક્ષકો, ધોરણ-6થી 8ના ભાષા અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકો, ધોરણ-6થી 8ના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો તથા મુખ્ય શિક્ષકો એમ કુલ 4 પ્રકારના ઉપકરણ દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે. ટીચર પોર્ટલના ડેટાના આધારે શિક્ષકોની સંખ્યા તૈયાર કરવામાં આવી છે. જેથી જિલ્લા કક્ષાએ ક્લસ્ટરની સંખ્યા મુજબ જરૂરી બ્લોકની સંખ્યાને ધ્યાઈને લઈ ક્લસ્ટર કક્ષાએ જ સર્વેક્ષણનું સ્થળ નક્કી કરી સર્વેક્ષણની વિગતો મોકલવા માટે સુચના અપાઈ છે.

સર્વેક્ષણના આયોજનને લઈને શુક્રવારે અધિકારીઓ દ્વારા એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી તથા ડાયટ પ્રાચાર્ય તેમજ જિલ્લા ઝોનલ ઓફિસરોએ ઉપસ્થિત રહેવાનું રહેશે. સર્વેક્ષણ સ્થળ માટે જરૂરી બેઠક વ્યવસ્થા થઈ શકે તેવી ક્લસ્ટરની પ્રાથમિક શાળાને પ્રાધાન્ય આપવાનું રહેશે. જો આવી પ્રાથમિક શાળા ઉપલબ્ધ ન હોય તો સરકારી કે ગ્રાન્ટેડ માધ્યમિક શાળા નક્કી કરવી, જો સરકારી કે ગ્રાન્ટેડ શાળા પણ ઉપલબ્ધ ન હોય તો ખાનગી શાળા નક્કી કરી શકાશે તેવી સુચના આપવામાં આવી છે. સર્વેક્ષણ સ્થળ તરીકે નક્કી કરેલી શાળામાં કોવિડ ગાઈડલાઈન્સ મુજબ જરૂરી બેઠક વ્યવસ્થા પુરતા પ્રમાણપમાં હોય તેની કાળજી લેવાની રહેશે.

 

24 ઓગસ્ટના રોજ સર્વેક્ષણમાં સરકારી પ્રાથમિક શાળાના ધોરણ-1થી 8ના શિક્ષકો અને HTAT ભાગ લેનારા હોવાથી તેઓની નિમણુંક સર્વેક્ષણ કાર્યમાં કરવી નહીં. સીઆરસી-બીઆરસી કો-ઓર્ડિનેટરનું સર્વેક્ષણ હવે પછી હાથ ધરવામાં આવશે. આ સર્વેક્ષણ મરજિયાત છે તેમ છતાં ઓક્ટોબર-2021માં જે શિક્ષકો નિવૃત્ત થાય છે તેમના પ્રતિચારો માહિતી પૃથ્થકરણમાં અને ભાવિ તાલીમમાં ઉપયોગી ન થતાં હોવાથી તેવો સર્વેક્ષણમાં ભાગ ન લે તેમ જણાવાયું છે. આ જ રીતે નૈત્રહીન શિક્ષકો માટે આ ઉપકરણની સર્વેક્ષણ થઈ શકે તેમ નથી, જેથી તેઓ પણ ભાગ ન લે તેવી સુચના અપાઈ છે.

સર્વેક્ષણમાં હાજર રહેનારા શિક્ષકોની ઓનલાઈન હાજરીમાં ડીએલ બતાવવાનું રહેશે, તેમજ સર્વેક્ષણમાં ભાગ લેનારે 24 ઓગસ્ટના રોજ સીધા સર્વેક્ષણ સ્થળે જ જવાનું રહેશે. જે બિલ્ડીંગમાં સર્વેક્ષણ યોજાનાર છે તે શાળાના વિદ્યાર્થીઓના સમય બાબતે જિલ્લા શિક્ષણાધિકારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. રાજ્ય કક્ષાએથી 22 ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાએ સાહિત્ય મોકલી દેવાશે. 23 ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાએ સાહિત્ય મોકલવામાં આવશે. જ્યારે 24 ઓગસ્ટના રોજ તાલુકા ઝોનલ કચેરીથી સાહિત્ય ક્લસ્ટર સુધી લઈ જવાના રહેશે.

વૈકલ્પિક કલમોના પ્રતિચારો OMR સીટમાં આપવાના રહેશે. વર્ણનાત્મક કલમોના પ્રતિચાર શિક્ષકોએ સર્વેક્ષણ ઉપકરણમાં નિયત જગ્યાએ લખવાના રહેશે. સર્વેક્ષણમાં ભાગ લેનારા શિક્ષકોએ સર્વેક્ષણ પુર્ણ થયા બાદ સર્વેક્ષણ ઉપકરણ અને OMR સીટ ખંડ નિરીક્ષકને પરત આપવાની રહેશે. વણવપરાયેલી સામગ્રી પરીક્ષાના દિવસે જ તાલુકા ઝોન કચેરીએ જમા કરાવવાની રહેશે. ત્યારબાદ આ જ રીતે આ સાહિત્ય આગળની કચેરીએ મોકલી આપવાનું રહેશે.

(11:34 pm IST)