Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

NFSU બન્યા બાદ પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓનો ખૂબ ધસારો, પ્રવેશ પ્રક્રિયાની છેલ્લી તારીખ પહેલાં ૪,૦૦૦થી વધુ અરજીઓ આવી

દેશ-વિદેશનાં વિદ્યાર્થીઓ ફોરેન્સિક ક્ષેત્રમાં નિષ્ણાત બની કારકિર્દી બનાવવા તત્પર : દિલ્હી કેમ્પસ ખાતે ભણવામાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહ દાખવ્યો

dir="ltr">(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી કે જેને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરનો અને ‘ઇન્સ્ટિટ્યૂશન ઑફ નેશનલ ઇમ્પોર્ટન્સ’નો ગૌરવમય દરજ્જો પ્રદાન થયો છે. આ (GFSU) યુનિવર્સિટી, હવે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) બનતા, અહીં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો છે. આ વર્ષની પ્રવેશ પ્રક્રિયાને પૂર્ણ થવામાં હજી ૧૦ દિવસની વાર છે ત્યારે માત્ર એક જ મહિનામાં દેશ-વિદેશના ૪,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટેની અરજી કરી ચૂક્યા છે અને ફોરેન્સિક ક્ષેત્રમાં નિષ્ણાત બની પોતાની કારકિર્દી ઘડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા તા.૨૧મી ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ પૂર્ણ થઈ રહી છે.
        આ અંગે વિગતો આપતા NFSUના કેમ્પસ ડાયરેક્ટર(ગાંધીનગર) પ્રોફે. (ડો.) એસ. ઓ. જુનારેએ જણાવ્યું કે વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, NFSU ગુજરાતના ગાંધીનગર, ઉપરાંત દિલ્હી ખાતે પણ કેમ્પસ ધરાવે છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. જે. એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ આ વર્ષે નવી સ્કૂલ્સ અને અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. જેને પરિણામે, યુનિવર્સિટી હવે કુલ ૧૨ સ્કૂલ્સ ધરાવે છે. તા.૧૧ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં પ્રવેશ માટે આવેલી અરજીઓની કુલ સંખ્યા ૪,૧૩૯ થાય છે. દિલ્હી કેમ્પસ ખાતે પણ કુલ ૨૦૯ વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે અરજી કરી છે. જ્યારે બન્ને કેમ્પસ માટેની કોમન એપ્લિકેશનની સંખ્યા ૧૨૫૮એ પહોંચી છે.
  વધુમાં તેઓએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રશિક્ષણ દ્વારા ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રના નિષ્ણાતો તૈયાર કરવાના હેતુથી NFSU દ્વારા પીએચ.ડી.થી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા સુધીના અભ્યાસક્રમોમાં જોડાવા માટે માત્ર દેશ જ નહીં, વિદેશના વિદ્યાર્થીઓએ પણ રસ દાખવ્યો છે. જેને પરિણામે અનેક વિષયોમાં પ્રવેશ પરીક્ષા(Entrance Exam) લેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં નોંધનીય છે કે દેશમાં કાયદો-વ્યવસ્થા તથા રાષ્ટ્રની આંતરિક સુરક્ષામાં આ ફોરેન્સિક નિષ્ણાતો તૈયાર થતાં ગંભીર ગુનાઓ ઝડપથી ઉકેલાશે તથા રાષ્ટ્ર-વિદેશમાં શાંતિમય માહોલ સર્જવામાં તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવશે. NFSU ગાંધીનગર કેમ્પસ સ્થિત કુલ ૧૨ સ્કૂલ્સ આ મુજબ છે. જેમાં સ્કૂલ ઑફ ફોરેન્સિક સાયન્સ, સ્કૂલ ઑફ મેડિકો-લિગલ, સ્કૂલ ઑફ સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ, સ્કૂલ ઑફ બિહેવિયરલ સાયન્સ, સ્કૂલ ઑફ ફોરેન્સિક સાયકોલોજી, સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ, સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, સ્કૂલ ઑફ ફાર્મસી, સ્કૂલ ઑફ પોલીસ સાયન્સ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ, સ્કૂલ ઑફ લૉ, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝ, સ્કૂલ ઑફ ડૉક્ટરલ સ્ટડીઝ એન્ડ રીસર્ચનો સમાવેશ થાય છે. ઉપરાંત, હાલમાં સ્કૂલ ઑફ ઓપન લર્નિંગ દ્વારા ૧૪ ઓનલાઈન અભ્યાસક્રમ ચાલી રહ્યા છે.
(7:01 pm IST)