Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કલોલના છત્રાલ જિલ્લામાં મોબાઈલની દુકાનમાં ચોરી કરવા આવેલ શખ્સને ગળામાં પતરું ઘુસી જતા મોત નીપજ્યું

ગાંધીનગર: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે જીઆઈડીસી વિસ્તારોમાં પણ નાની મોટી ચોરીની ઘટનાઓ બની રહી છે. ત્યારે કલોલના છત્રાલમાં ચોરી કરવા માટે આવેલો ચોર જ મોતને ભેટયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરને કુદરતે જાણે ત્યાં જ સજા આપી દીધી હોય તેવો ઘાટ ઘડાયો છે. આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કલોલના બોરીસણા રોડ ઉપર શિવમ પ્લાઝા એ-ર૦૮માં રહેતા યજ્ઞોશ ચંદ્રકાંતભાઈ શાહ છત્રાલ જીઆઈડીસીમાં નવકાર મોબાઈલ શોપ નામની મોબાઈલની દુકાન ધરાવે છે. ગઈકાલે સવારના સમયે તેઓ દુકાને પહોંચતાં શટરના તાળાં ખોલીને અંદર પ્રવેશ્યા ત્યારે દુકાનમાં જોતાં છતના ભાગે એક શખ્સ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. જેના પગલે યજ્ઞોશ હેબતાઈ ગયો હતો અને નજીકમાં જ પિતાજી ગલ્લો ચલાવતા હોવાથી તેમની પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ આસપાસના વેપારીઓને બોલાવી દુકાનની છત ઉપર તપાસ કરતાં આ શખસનું મોત થયું હોવાનું જણાયું હતું. ત્યા હાજર કેટલાક લોકો આ શખ્સ જીઆઈડીસીમાં આવેલી મેકસીમાં કંપનીની કોલોનીમાં રહેતો અર્જુન ખોટે કોલ હોવાનું જણાવ્યું હતું. જેથી આ સંદર્ભે કલોલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને આ યુવાનના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અર્જુન દુકાનમાં ચોરી કરવાના ઈરાદે આવ્યો હતો અને અડધુ પતરૃ ઉંચે કરીને નીચે ઉતરવા જતાં પતરાંની ધાર ગળામાં ફસાઈ જતાં તેનું મોત નીપજયું હોવાનું બહાર આવ્યું છે. હાલ તો આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ આરંભી છે.

(5:01 pm IST)