Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત નાગરિકોને સહાય ચૂકવવામાં વિસંગતતા અને અનિયમિતતા - ગેરરીતિ આચરનાર સ્થાનિક વહીવટી તંત્રના તમામ જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરો

વાવાઝોડાથી અસરગ્રસ્ત તમામ નાગરિકોને મળવાપાત્ર તમામ પ્રકારની સહાય એકસમાન ધોરણે આપવા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીનીવિજયભાઈ રૂપાણીને રજૂઆત : ખેડૂતોને એક સીઝનનો નહીં પણ ૧૫-૨૦ વર્ષથી મહેનત કરીને મોટા કરેલ વૃક્ષોનો નાશ : ગીર વિસ્તારમાં નેસમાં વસતા અને પશુપાલનના વ્યવસાય ઉપર જ નભતા માલધારીઓને પણ ખૂબ મોટું નુકસાન :વિધાનસભા વિરોધ પક્ષના નેતાનો આક્રોશ

રાજકોટ તા.૧૨ : તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત નાગરિકોને સહાય ચૂકવવામાં વિસંગતતા અને અનિયમિતતા/ગેરરીતિ આચરનાર સ્થાનિક વહીવટીતંત્રના તમામ જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી થવા અને વાવાઝોડાથી અસરગ્રસ્ત તમામ નાગરિકોને મળવાપાત્ર તમામ પ્રકારની સહાય એકસમાન ધોરણે આપવા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએવિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી છે.

પરેશભાઈ ધાનાણીએ વધુમાં જણાવ્યું છે કે,તૌકતે વાવાઝોડાના કારણે ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને ઉના અને રાજુલા વિધાનસભા મતવિસ્તારોમાં નાગરિકોને અને ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે, તેમાં પણ ખેડૂતોને થયેલ આર્થિક નુકસાન આવનારા ૧૦ વર્ષે પણ ભરપાઈ થઈ શકે તેમ નથી. આંબા, નાળીયેરી, ચીકુ, કેળાં વગેરે જેવા બાગાયતી પાકો, અડદ, તલ, મગ, બાજરી વગેરે ઉનાળુ ખેતી પાક સહિતના તમામ પાક ૧૦૦% નાશ પામેલ. વર્ષોથી ઉછેર કરેલ હોય તેવા નાળીયેરી અને આંબાના ઝાડ ભારે પવનના કારણે પડી ગયેલ, જેનાથી ખેડૂતોને એક સીઝનનો નહીં પણ ૧૫-૨૦ વર્ષથી મહેનત કરીને મોટા કરેલ ઝાડ નાશ પામેલ. ગીર વિસ્તારમાં નેસમાં વસતા અને પશુપાલનના વ્યવસાય ઉપર જ નભતા માલધારીઓને પણ ખૂબ મોટું નુકસાન થવા પામેલ. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના થાંભલાઓ પવનના કારણે પડી જવાના કારણે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયેલ. વીજળી ન હોવાના કારણે ખાસ કરીને કોરોના મહામારીના સમયમાં હોસ્પિટલોમાં આઈસીયુ, ઓકસીજનમાં મુશ્કેલીઓ અને ખેડૂતો/પશુપાલકોને પશુઓ અને નાગરીકોને પીવાના પાણીના વિકટ પ્રશ્નો ઉભા થયેલ. ભારે પવનના કારણે રસ્તાઓ ઉપર વૃક્ષો પડી જવાથી ગામો સંપર્ક વિહોણા બનેલ. ભારે પવનના કારણે કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓ તુટી પડેલ અને ઘરવખરીનો સામાન પણ પાણી પડવાથી પલળીને બગડી જવા પામેલ. ભારે પવનના કારણે કેટલીય બોટ દરીયામાં તણાઈ ગયેલ અને કેટલીય બોટોને પવનના કારણે ભારે નુકસાન થયેલ.

તૌકતે વાવાઝોડાને કારણે થયેલ નુકસાન અંગે રાજય સરકાર દ્વારા પેકેજ જાહેર કરી સહાય ચૂકવવા માટેના ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા તે ધોરણો મુજબ સહાય ચૂકવવામાં આવી નથી. તે અંગે ધારાસભ્યો પુંજાભાઈ વંશ, અંબરીષભાઈ ડેર, મોહનભાઈ વાળા, પ્રતાપભાઈ દુધાત, કનુભાઈ બારૈયા, ભગાભાઈ બારડ, હર્ષદભાઈ રીબડીયા, બાબુભાઈ વાજા, વિમલભાઈ ચુડાસમા, ભીખાભાઈ જોષી દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર, સંબંધિત અધિકારીઓ તથા આપશ્રીને રૂબરૂ મળીને કે લેખિતમાં સહાય ચૂકવવામાં મોટાપાયે ગેરરીતિ તેમજ વિસંગતતા હોવા બાબતે સમયાંતરે રજૂઆતો કરવામાં આવેલ. સ્થાનિક નાગરિકો, ખેડૂતો, માછીમારભાઈઓ, માલધારીભાઈઓ, નાના-મોટા ધંધા-રોજગાર કરનાર લોકો દ્વારા સ્થાનિક અધિકારીઓ સમક્ષ સહાય મેળવવા સતત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી.

કેશડોલ્સ ચૂકવવામાં અમુક ગામોમાં ૧૦૦% કેશડોલ્સ ચૂકવવામાં આવેલ, જયારે બાકીના ગામોમાં ૧૦૦% કેશડોલ્સ ન ચૂકવી અન્યાય કરવામાં આવેલ છે, તે વિસંગતતા દૂર કરવા અંગેની રજૂઆત આપશ્રી સમક્ષ કરવામાં આવેલ, પરંતુ આજદિન સુધી આ વિસંગતતા દૂર કરવામાં આવેલ નથી.

સંયુકત કુટુંબમાં એક જ મકાનમાં વસતા હોય અને અલગ-અલગ રેશનકાર્ડ ધરાવતા હોય તેવા તમામ સભ્યોને ઘરવખરી તેમજ અંશતઃ મકાન સહાય ચૂકવવામાં આવેલ છે, જેની સામે કુટુંબ એક જ હોય, મકાન અલગ-અલગ હોય પરંતુ રેશનકાર્ડ સંયુકત હોય તેવા સભ્યો પૈકી માત્ર એક જ સભ્યને ઘરવખરી અને મકાન સહાય ચૂકવવામાં આવેલ છે.

મકાન સહાયના બાકી રહી જવા પામેલ અસરગ્રસ્તોને પુનઃ ફોર્મ રજૂ કરવા ઉના અને ગીરગઢડા તાલુકા પંચાયતે જે-તે ગામના તલાટી કમ મંત્રી/સરપંચશ્રીને લેખિતમાં જણાવેલ. જે અન્વયે ઉના અને ગીરગઢડા તાલુકા પંચાયતમાં ૬-૭ હજાર અરજીઓ મળેલ છે, જેનો આજદિન સુધી હકારાત્મક નિકાલ થયેલ નથી.

વાવાઝોડાથી મહત્ત્।મ અસરગ્રસ્ત ઉના અને રાજુલા મતવિસ્તારના તાલુકાઓ તેમજ અન્ય અસરગ્રસ્ત તાલુકાઓના ખેડૂતોના ૭/૧૨ અને ૮/અમાં આંબા અને નાળિયેરી નોંધાયેલ હોવા છતાં તેઓને તલ અને બાજરીની સહાય ચૂકવવામાં આવી છે, આવું ઉના તાલુકાના કાણેકબરડા ગામ સહિત ઘણા બધા ગામોમાં તેમજ અસરગ્રસ્ત તાલુકાઓમાં બનવા પામેલ છે. જે ખેડૂતોએ તલ અને બાજરીનું વાવેતર જ કરેલ નથી તેવા ખેડૂતોને તલ અને બાજરીની સહાય ચૂકવવામાં આવી છે. આવું કેવી રીતે બની શકે ? રાજય સરકાર માટે સહુ નાગરિક સમાન છે. વાવાઝોડાથી એકસમાન નુકસાન થયું હોય ત્યારે 'એકને ગોળ અને એકને ખોળ' એમ હોઈ શકે નહીં.

આથી, ઉકત જણાવેલ તમામ બાબતોની આપશ્રીની કક્ષાએથી સત્વરે તપાસ કરાવી, અસરગ્રસ્ત નાગરિકોને સહાય ચૂકવવામાં વિસંગતતા અને અનિયમિતતા/ગેરરીતિ આચરનાર સ્થાનિક વહીવટીતંત્રના તમામ જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી થવા અને વાવાઝોડાથી અસરગ્રસ્ત તમામ નાગરિકોને મળવાપાત્ર તમામ પ્રકારની સહાય એકસમાન ધોરણે મળે તેવી કાર્યવાહી તાત્કાલિક કરાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ રજૂઆત કરી છે.

(12:55 pm IST)