Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કુખ્યાત લવિંગખાનના ત્રાસથી કંટાળી નાપા ગામ સજ્જડ બંધ :પોલીસ આરોપીને છાવરતી હોવાનો લોકોનો આક્ષેપ

ગામના લોકોએ દુકાનો બંધ રાખી આવારા તત્વોના આતંકમાંથી મુક્તિ આપાવવા માંગ ઊઠાવી

આણંદ નજીક નાપા ગામે દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. આવારા તત્વોના આતંકથી ગ્રામજનો ત્રસ્ત થયા છે. સામે પક્ષે પોલીસ કામગીરી ન કરતી હોવાના પણ ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે. કુખ્યાત લવિંગખાન નામના શખ્સની કરતૂતોને કારણે ગામના લોકોએ સજ્જડ બંધ પાડી આકરો વિરોધ નોંધાવ્યો હતો અને ત્રાસમાંથી છોડાવવા માંગ ઉઠાવી હતી. 

આણંદ નજીક નાપા ગામે કુખ્યાત લવિંગખાન અને તેની ગેંગના શખ્સો અવારનવાર ગ્રામજનો ઉપર ત્રાસ ગુજારી રહ્યા છે. તેવામાં ગઇકાલે એક યુવકને માર મારતા મામલો બિચક્યો હતો. ત્યારબાદ ગામના લોકોએ બાયો ચડાવી હતી.  કુખ્યાત લવિંગખાન સહિત તેની ટોળકીને સ્થાનીક પોલસ છાવરતી હોવાના પણ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ મામલે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. પોલીસના છુપા આશીર્વાદથી આરોપીઓ ફાંટીને ધૂમાડે ગયા હોવાના સણસણતા આક્ષેપો કર્યા હતા. 

નાપા ગામે મંગળવારે લુખ્ખા તત્વો દ્વારા યુવકને માર મારવાની ઘટના બાદ ગ્રામજનો વિફર્યા હતા અને પોલીસ ચોકી ખાતે દોડી જઈ પોલીસ ચોંકીનો પણ ઘેરાવો કર્યો હતો. 
પોલીસ દ્વારા આરોપીને છાવરવામાં આવતો હોવાના ગ્રામજનોએ આરોપ લગાવ્યા હતા. પોલીસની કામગીરી સામે લોકોમાં ભરેલા અગ્નિ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. વધુમાં આજે નાપા ગામના લોકોએ આજે સજ્જડ બંધ પાળી વિરોધ કર્યો હતો. ગામના લોકોએ દુકાનો બંધ રાખી આવારા તત્વોના આતંકમાંથી મુક્તિ આપાવવા માંગ ઊઠાવી હતી. 

(12:10 am IST)