Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગરની મુલાકાત લીધી

રાજ્યનાં શાળા શિક્ષણના દરેક પાસાઓનું ઓનલાઇન રીઅલટાઇમ મોનીટરીંગ દ્વારા ડેટા-આધારિત પ્રકલ્પોની જાણકારી આપી

ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ ગાંધીનગર ખાતેના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પ્રમુખ પુંજાભાઇ વંશની આગેવાનીમાં સમિતિના અન્ય સભ્યો  રાકેશભાઈ શાહ, અરવિંદકુમાર પટેલ, ગોવિંદભાઇ પટેલ, ભગાભાઈ બારડ, વિરજીભાઈ ઠુમ્મર,જીતેન્દ્રભાઈ સુખડીયા, વિવેકભાઈ પટેલ, અને રમણલાલ પાટકર ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમ્યાન તેઓને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે થતી કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમા રાજ્યનાં શાળા શિક્ષણના દરેક પાસાઓનું ઓનલાઇન રીઅલટાઇમ મોનીટરીંગ દ્વારા ડેટા-આધારિત પ્રકલ્પોની જાણકારી આપવામાં આવી હતી. વિદ્યા સમિક્ષા કેન્દ્રમાં રાજ્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઇન હાજરી, એસેસમેન્ટ, ગુણોત્સવ 2.0, ટેક્નોલોજી આધારીત લર્નિગ, G-Shala, CRC/BRC મોનિંટરીંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું લગભગ 1000 કરોડ ડેટા સેટનું ઓનલાઇન રીઅલટાઇમ મોનિટરીંગ અને વિશ્લેષણ કરવામાં આવે છે. આ ઉપરાંત ખાસ એકમ કસોટી અને સત્રાંત કસોટીના પરીણામોનું વિશ્લેષણ કરી રાજ્યના વિદ્યાર્થીઓ ધોરણ-અનુરૂપ લર્નિંગ આઉટકમ્સ (LO) હાંસિલ કરે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. આ માટે વિષય-કસોટી-પ્રશ્ન-LO આધારીત Student Report Card પણ તૈયાર કરવામાં આવ્યા છે.
તદઉપરાંત, રાજ્યમાં શિક્ષણક્ષેત્રે કરવામાં આવનાર ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ એવા “મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ" પ્રોજેક્ટ વિષે પણ માહિતી આપવામાં આવી હતી. ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાજ્યમાં આવતા પાંચ વર્ષમાં આશરે રૂ.10,000 કરોડના ખર્ચે “મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ" હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યની કુલ સરકારી શાળાઓ પૈકી 50 ટકા શાળાઓ, એટલે કે 20,000 શાળાઓને વિશ્વ-કક્ષાની માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સવલતો પુરી પાડી ઉત્કૃષ્ટ બનાવાશે. જે થકી રાજ્યના સરકારી શાળાના 80 ટકાથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે અને જે આવનારી પેઢી માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે મદદરૂપ બનશે.  

વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી અને “મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ" પ્રોજેક્ટ વિષેની માહિતીથી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના માનનીય પ્રમુખ શ્રી પુંજાભાઇ વંશ અને તમામ સભ્યો ખૂબ પ્રભાવિત થયા હતા તેમજ શિક્ષણક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ કરી શૈક્ષણિક ગુણવત્તા અભિવૃદ્ધિ માટે આ નવીન પહેલને બિરદાવી હતી અને ગુજરાત રાજ્યના શિક્ષણક્ષેત્રે પ્રગતિ કરે તે માટે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ મુલાકાતમાં શિક્ષણ વિભાગના સચિવ શ્રી ડૉ. વિનોદ રાવ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(7:54 pm IST)