Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

એપ દ્વારા લોન લેનાર યુવકનો ફોન હેક કરી ન્યૂડ વીડિયો મોકલાયા

ઈન્સ્ટન્ટ લોન લેવા જતા યુવક ફસાઈ ગયો : ખેડાના યુવકે અમદાવાદ ગ્રામ્ય સાઈબર ક્રાઈમ બ્રાંચ પોલીસનો સંપર્ક કરીને આરોપી સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ, તા.૧૧ : કેટલાંક યુવકોને રુપિયાની પૈસાની તાત્કાલિક જરુરિયાત રહેતી હોય છે. જેથી તેઓ ઈન્સ્ટન્ટ લોન આપતી કંપની પાસેથી લોન મેળવતા હોય છે. આવી જ રીતે ઈન્સ્ટન્ટ લોન આપતી કંપનીની એપ્લીકેશન ડાઉનલોડ કરી લોન મેળવનારા યુવકને કડવો અનુભવ થયો હતો. આ યુવકે માત્ર ૨૨૨૦ રુપિયાની લોન લીધી અને તે તેના ખાતામાં જમા થઈ હતી. એપ્લીકેશનના સંચાલકોએ ચાર જ દિવસમાં ૧૨૨૫ રુપિયાનો હપ્તો માગ્યો હતો. એક મહિના પછી હપ્તા ભરવાના છે એવી ખાતરી આપી હોવાનું યુવકે જણાવ્યું હતું. જે બાદ કંપની દ્વારા યુવકની બદનામી કરવામાં આવી હતી. લોન લેનારા યુવકનો ફોન હેક કરીને કંપનીએ તેના સંબંધીઓને બિભત્સ મેસેજ અને ન્યૂડ વિડીયો મોકલ્યા હતા. આખરે કંટાળીને ખેડાના યુવકે અમદાવાદ ગ્રામ્ય સાઈબર ક્રાઈમ બ્રાંચ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, ખેડામાં રહેતા જુનૈજ હકીમભાઈ કેબ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઈન્ટરનેટ સર્ફિગ દરમિયાન જુનૈજે ૮ એપ્રિલના રોજ લોન મેળવવાની જાહેરાત જોઈ હતી. કેશ એડવાન્સ નામની એપ્લીકેશન જોઈને લોન લેવા માટે તેણે એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. એ પછી તેમાં લોન લેવા માટેની પ્રોસેસ જણાવેલી હતી. એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ તેમાં અલગ અલગ રિક્વેસ્ટ એક્સેસ કરવા માટે જણાવાયુ હતું. જે બાદ જુનૈજે આ એપ્લિકેશન પર પાન કાર્ડ, આધાર કાર્ડ, સેલ્ફી, બેક્નની વિગતો, આઈએફસી કોડ, મોબાઈલ નંબર વગેરે વિગતો અપલોડ કરી હતી. લોન અંગેની શરતો કે માહિતી જણાવ્યા વગર જ જુનૈજના બેંક એકાન્ટમાં રુપિયા ૨૨૨૦ની લોન જમા થઈ હોવાનો મેસેજ આવ્યો હતો.

ચાર દિવસ પછી એટલે કે

૧૨ એપ્રિલના રોજ જુનૈજના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમે કેશ એડવાન્સથી લોન લીધી છે. તે પેટે તમારે આજે ૧૨૨૫ રુપિયા ભરવાના છે. એટલે જુનૈજે મહિનો પૂરો થાય એ પછી રુપિયા ભરી આપીશ એવુ જણાવ્યું હતું. એટલે સામેની વ્યક્તિએ અપશબ્દો કહીને ફોન મૂકી દીધો હતો. પછી જુનૈજભાઈના મોબાઈલ પર તેમની ફોનબુકનો સ્ક્રીન શોટ મોકલવામાં આવ્યો હતો. એટલું જ નહીં અભદ્ર મેસેજ અને ન્યૂડ વિડીયો મોકલી ધમકી આપવામાં આવી હતી કે, ફોનબુકમાં તમારા સગાવ્હાલા છે તેમને અશ્લીલ મેસેજ અને ન્યૂડ વિડીયો મોકલી આપું છું. એટલે જુનૈજભાઈએ ફોન કાપી દીધો હતો. થોડી જ વારમાં તેમના બે ત્રણ સંબંધીઓના તેમના પર ફોન આવ્યા હતા. તેઓએ પૂછયું કે, અમારા મોબાઈલ ફોનમાં તારા વિશે ગંદા મેસેજ અને ન્યૂડ વિડીયો આવ્યા છે તે શું છે?

આખરે કંટાળીને ૧૨ એપ્રિલના રોજ જુનૈજભાઈએ યુપીઆઈથી રુપિયા ૧૨૨૫ ભરપાઈ કરી દીધા હતા. એ પછી બીજા એક નંબરથી ફોન કરીને અજાણી યુવતીએ ધમકી આપી હતી કે, લોનના બાકીના રુપિયા ભરી નાખો નહીં તો તમારા સંબંધીઓને તમારો બનાવેલો અભદ્ર મેસેજ મોકલાવી સોશિયલ મીડિયામાં બદનામ કરી નાખીશું. એટલે જુનૈજભાઈએ અજાણ્યા નંબરો બ્લોક કરી દીધા હતા. બાદમાં કેશ એડવાન્સ ઈન્સ્ટન્ટ લોન એપ્લિકેશનવાળા અજાણ્યા શખસોએ અલગ અલગ નંબરોથી તેમના માતા-પિતા અને કુટુંબીજનોના મોબાઈલ ફોન પર અભદ્ર ભાષામાં ગાળો બોલી ગંદી કોમેન્ટો કરી ન્યૂડ વિડીયો મોકલ્યા હતા. આખરે આ બદનામીથી કંટાળી જુનૈજભાઈએ અમદાવાદ ગ્રામ્ય સાઈબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(7:47 pm IST)