Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ગુજરાત બોર્ડની ધોરણ-૧૨ સાયન્સનું આજે પરિણામ

કોરોના કાબૂમાં આવતા કાર્યક્રમ મુજબ પરીક્ષા યોજાઈ : ધો.૧૨ સાયન્સનું પરિણામ ૧૨ મેના રોજ ૧૦ વાગ્યે જાહેર થશે, ગુજકેટ-૨૦૨૨નું પરિણામ પણ જાહેર કરાશે

અમદાવાદ, તા.૧૧ : આવતીકાલે સવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ સાથે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું (ગુજસેટ-૨૦૨૨) પણ પરિણામ આવતીકાલે જ જાહેર કરવામાં આવશે. પાછલા બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર પડતી હતી જોકે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોરોના કાબૂમાં આવતા નક્કી ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષાઓ યોજવામાં આવી હતી. પરીક્ષાના પરિણામ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ ટ્વિટ કરીને વિગતો જણાવી છે.

શિક્ષણમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ આવતીકાલે એટલે કે ૧૨મી મેના રોજ સવારે ૧૦ વાગ્યે જાહેર કરવામાં આવશે. આ પરિણામની સાથે જ ગુજકેટ-૨૦૨૨નું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. તેમણે બપોરે દોઢ વાગ્યા પછી આ માહિતી આપી છે. આ વર્ષે નિયમ ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષા યોજાઈ છે ત્યારે વિદ્યાર્થીઓ પણ રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. હવે આવતીકાલે સવારે તેમની આતુરતાનો અંત આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ ૧૮ એપ્રિલના રોજ લેવાયેલી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજસેટ-૨૦૨૨)ની પરીક્ષા યોજવામાં આવી હતી. આ પછી તારીખ ૨૮ એપ્રિલના રોજ પ્રોવિઝનલ આન્સર-કી જાહેર કરાઈ હતી અને રજૂઆતો મંગાવવામાં આવી હતી.

આવતીકાલે ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવાની સાથે વિદ્યાર્થીઓને લગતી વિસ્તૃત વિગતો પણ જણાવવામાં આવશે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ુુુ.ખ્તજીહ્વ.ર્ખ્તિ પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.

ગુરુવારે ધોરણ-૧૨ સાયન્સ પછી આગામી દિવસોમાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૦ના પરિણામ ક્યારે જાહેર થશે તે અંગેની જાહેરાત કરવામાં આવશે.

ધોરણ-૧૦ તથા ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જૂન માસમાં અથવા તો મેના અંતિમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવી શકે છે.

મોડામાં મોડું જૂનના બીજા અઠવાડિયામાં પરિણામ જાહેર કરવાની કામગીરી પૂર્ણ કરાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. આ પછી ૧૩ જૂનથી નવુ શૈક્ષણિક સત્ર શરુ કરવામાં આવશે.

(7:45 pm IST)