Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

અમદાવાદના મેઘાણીનગરમાં રિક્ષાના ભાડાના પૈસા માંગતા લૂંટારુઓ ચાલક પર ચપ્પુના ઘા જીકી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી

અમદાવાદ: મેઘાણીનગરમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના બંગલા પાસે બનેલી આંચકારૂપ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાના સામે સવાલ ઉભા કર્યા છે.પેસેન્જરના સ્વાંગમાં આવેલા બે લૂંટારુઓએ ભાડાના પૈસા માંગતા રિક્ષાચાલકને ચપ્પાના ઘા મારી રહેંસી નાંખ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને અસારવા સિવિલ લઈ જવાયો હતો. સારવાર દરમિયાન આજે સવારે યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાની કલમ ઉમેરી આ મામલે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ મેઘાણીનગરમાં ગીરધનગરમાં માકુભાઈની ચાલીમાં રહેતા બીપીનભાઈ જયંતિભસાઈ પરમાર રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત તા7મીના રાત્રે ઘર તરફ આવતા બીપીનભાઈની રીક્ષામાં રામેશ્વર ચાર રસ્તાથી બે પેસેન્જરે સિવિલ કોર્નર જવા માટે બેઠા હતા. મેઘાણીનગર એફએસએલ કોર્નર પોલીસ કમિશનરના બંગલો પાસે બે જણાએ રીક્ષા ઉભી રખાવી હતી. બીપીનભાઈએ ભાડું માંગતા બન્ને શખ્સે તેરે પર્સ ઓર મોબાઈલ દે દે તેમ કહ્યું હતું. બીપીનભાઈએ પર્સ અને મોબાઈલ આપવાની ના પાડી ભાડું માગ્યું હતું. દરમિયાનમાં ઉશ્કેરાયેલા બન્ને શખ્સે બીપીનભાઈને ચાકુના ઘા મારી દીધા હતા. આરોપીઓએ બીપીનભાઈને ડાબા પગના સાથળે, પેટ અને પેઢુના ભાગે ત્રણ ઘા માર્યા હતા. બીપીનભાઈએ પ્રતિકાર કરતા આરોપીઓ ભાગી ગયા હતા. બનાવ અંગે સ્થાનિકોએ બીપીનભાઈને સારવાર અર્થે 108માં અસારવા સિવિલ ખસેડયા હતા. 

(6:51 pm IST)