Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

વડોદરાના આજવા વોટર પાર્કમાં ફરવા જતા મિત્રોને ટ્રક ચાલકે ટક્કર મારતા બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા :આજવા વોટર પાર્કમાં ફરવા જતા મિત્રોને ટ્રક ચાલકે ટક્કર મારતા બે મિત્રો રોડ પર ફંગોળાયા હતા.બંને મિત્રોના શરીર પર ટ્રકના પાછળના વ્હીલ ચડી ગયા હતા.ટ્રક એવી જ ઉભી રાખીને ટ્રક ચાલક ભાગી ગયો હતો.બંને યુવકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે.જ્યાં તેઓની સારવાર ચાલુ છે.જ્યારે ફર્ટિલાઇઝર બ્રિજ પાસે અજાણ્યા વાહનની અડફેટે હોટલમાં કામ કરતા વૃદ્ધનું મોત થયું છે.

મૂળ રાજસ્થાનના દેવેન્દ્રસીંગ  રાજપૂત  હાલમાં ફર્ટિલાઇઝર બ્રિજ  પાસે યુવરાજ  હોટલ ચલાવે છે.તેમની હોટલ પર  કામ કરતા સોમાભાઇ ગોરધનભાઇ વસાવા (ઉ.વ.૬૦) ને ગઇકાલે રાતે જી.એસ.એફ.સી.બ્રિજ ચડતા પહેલા ટુ વ્હીલર ચાલકે અડફેટે લેતા તેઓને  માથા તથા  કપાળના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં  ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે.જે અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી  ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં મૂળ ભાવનગરનો હિતેન બાલકૃષ્ણ જગડ વડોદરામાં  એન્જિનિયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.આજે સવારે  હિતેન અને તેના મિત્રો ગૌતમ જાની, ધવલ ઠુમ્મર, જુહીલ ખોખર તથા કૌશિક વિશપરા એ આજવા વોટર પાર્ક ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો.સવારે આઠ વાગ્યે તેઓ બાઇક લઇને નીકળ્યા હતા.તેઓ આજવારોડ ડવડેક પાસેથી પસાર થતા હતા.તે દરમિયાન એક  ટ્રક ચાલકે ટક્કર મારતા તેઓ નીચે પડયા હતા.ટ્રકનું વ્હીલ હિતેનના  પગ  પર ચડી ગયું હતું.ટ્રક ચાલક   તેઓના  પગ  પર ટ્રક ઉભી  રાખીને ભાગી ગયો હતો.રોડ પરથી  પસાર થતા લોકોએ ટ્રકને ધક્કો મારીને પાછળ ખસેડી હિતેન અને તેના મિત્ર ગૌતમ જાનીને બહાર કાઢ્યા હતા.હિતેનને ડાબા પગે તેમજ ગૌતમને હાથ પર ફેક્ચર થયું હતું.

(6:50 pm IST)