Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ખંભાતથી સુરત આવી ફ્લેટમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતા ચારને પીસીબીએ રંગે હાથે ઝડપી 3.36 લાખનો મુદામાલ કબ્જે કર્યો

સુરત, : ખંભાતથી ચાર-પાંચ દિવસ અગાઉ સુરત આવી અડાજણ પોલીસ મથકની બરાબર સામેના એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમાડતા ચારને પીસીબીએ ગતરાત્રે રેઇડ કરી ઝડપી પાડી રૂ.3.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબીના હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ કંસારાભાઈ, રાકેશભાઈ વલ્લભભાઈ અને કોન્સ્ટેબલ શૈલેષ અશ્વીનભાઈને મળેલી બાતમીના આધારે પીસીબીએ ગતરાત્રે 8 વાગ્યે અડાજણ પોલીસ સ્ટેશનની બરાબર સામે આવેલા ગ્રીન રેસિડન્સી બિલ્ડીંગના ફ્લેટ નં.એફ/1003 માં રહેતા હિતેષભાઇ રાજપૂતને ત્યાં રેઈડ કરી હતી.પીસીબીએ રેઈડ કરી ત્યારે ત્રણ બેડરૂમના ફ્લેટમાં બે બેડરૂમમાં દિવાલ પર લગાવેલા ટી.વી પર આઈપીએલની મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચેની 20-20 મેચ ચાલુ હતી અને તેને જોઈ રન અને મેચના સેશન્સ પર સટ્ટો રમાડતા હતા. પીસીબીએ ફ્લેટના માલિક બેકાર હિતેષભાઇ રમણલાલ રાજપૂત ( ઉ.વ.50, મૂળ રહે.ઘર નં.18, લાડ સોસાયટી, નહેરુપાર્ક પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ ) ઉપરાંત તેમના સાગરીત રત્નકલાકાર જીતુભાઈ કાળીદાસ રાણા ( ઉ.વ.49, હાલ રહે.ઘર નં.203, આદમની વાડી, કતારગામ દરવાજા, સુરત. મૂળ રહે.પીટબજાર ઘંઠોળા શેરી, ખંભાત, જી.આણંદ ) તેમજ ચાર પાંચ દિવસથી અહીં ખાસ સટ્ટો રમાડવા આવેલા અને જીતુભાઈની સાથે રહેતા ખેડૂત દિવાનસિંહ ખોમાનાસિંહ ગોહિલ ( ઉ.વ.48, મૂળ રહે.ઘર નં.30, આકૃતિ સોસાયટી, લાલ દરવાજા પાસે, ખંભાત, જી.આણંદ ) તેમજ બેકાર કલ્પેશભાઈ અરવિંદભાઈ સોની ( ઉ.વ.57, મૂળ રહે.મોટી ઊંચી શેરી, નવા ટાવર પાસે, ખંભાત, જી.આણંદ ) ને ઝડપી લીધા હતા.

(6:45 pm IST)