Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

બાલાસિનોર તાલુકાના પીલોદરા ગામ નજીક યુવતીની હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો

બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના પીલોદરા ગામે એક યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચ્યો છે. મૃતક યુવતીના પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે કે યુવતી પર બળાત્કાર ગુજારીને હત્યા કરી દેવામાં આવી છે. બનાવને પગલે પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરા ખાતે લઇ જવામાં આવ્યો છે. ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન યુવતી એકાએક લાપતા બનતા પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. બીજા દિવસે મંગળવારે સવારે એક ખેતરમાંથી હત્યા કરાયેલી યુવતીની લાશ મળી આવતા પરિવાર ત્યાં દોડી ગયું હતું અને યુવતીની ઓળખ પોતાની દીકરી તરીકે કરી હતી. પીલોદરા ગામમાં એક સમાજમાં ગતરોજના લગ્ન પ્રસંગમાં અન્ય ગામોમાંથી ભારે સંખ્યામાં સ્નેહીજનો ઉમટયા હતા. જેમાં મૃતક યુવતી તેના કથિત પ્રેમી સાથે સીમમાં ફરતી હોવાની વાત યુવતીના પરિવારને મળતા ત્યાં પહોંચ્યા હતા. પરંતુ તે જગ્યાએ કોઈના દેખાતા પરિવારજનો પરત આવ્યા હતા. ત્યાર બાદ આજે સવારના સમયે યુવતી મૃતદેહ પોતાના મકાનથી અંદાજીત એક કિ.મી દૂર મળી આવ્યો હતો. જ્યારે દીકરીનો મૃતદેહ દેખતા પિતા સહિત પરિવારજનો દ્વારા હૈયાફાટ રૂદન સાથે બાલાસિનોર પોલીસને જાણ કરી હતી પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો મારી દીકરી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાના પગલે જિલ્લા પોલીસની વિવિધ ટીમો દ્ધારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.

(6:45 pm IST)