Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

વડોદરામાં મેયરના ફોટાવાળુ ફેક આઇડી બનાવી અધિકારીઓ પાસે નાણા ખંખેરનાર ભેજાબાજનું લોકેશન મધ્‍યપ્રદેશ

એક અધિકારીએ રૂપિયા 100 મોકલી ટેસ્‍ટીંગ કરતા ફ્રોડ સામે આવ્‍યુઃ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ

વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકાના મેયરનો ફોટો લગાવી ફેક આઇડી બનાવી અધિકારીઓ તથા અન્‍ય શહેરના અધિકારીઓ પાસેથી નાણા ખંખેરતા શખ્‍સ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. એક અધિકારીએ 100 રૂપિયા મોકલી ટેસ્‍ટીંગ કરતા ફ્રોડ સામે આવ્‍યુ છે. લોકેશન મધ્‍યપ્રદેશમાં મળી આવ્‍યુ છે.

શહેરમાં છેતરપીંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે વડોદરામાં મેયરના નામે ઠગાઈ કરાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચ્યો છે. whatsapp નંબર પર મેયરનો ફોટો લગાવી પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને મેસેજ કરી નાણાં મગાયાં હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. પાલિકાના એક અધિકારીએ તો ઠગના મેસેજ બાદ 50 હજાર ટ્રાન્સફર કરતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરાઈ છે.

મેયર કેયુર રોકડિયાના ફોટાનો ઉપયોગ કરી ભેજાબાજે અજાણ્યા નંબર પરથી પાલિકાના હોદ્દેદારોને તેમજ અધિકારીઓને મેસેજ કર્યા હતા. જેમાં અંગ્રેજીમાં હું એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં છું, જેમાં મર્યાદિત ફોન કોલ્સ લઈ શકું છું. તમે મારા માટે તાત્કાલિક કંઈ કરો, તેમ જણાવ્યું હતું. મેયરના ફોટા સાથેનો મેસેજ જોઈ હોદ્દેદારો અને વેપારીઓએ જવાબ આપ્યો હતો. જે બાદ ભેજાબાજે ઓનલાઈન એપ્લિકેશન મારફતે નાણાં માગ્યાં હતાં. જેમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જિજ્ઞેશ ગોહિલે તુરંત 50 હજાર મોકલ્યા હતા. બીજી તરફ અન્ય હોદ્દેદારે રૂા. 100 મોકલી ટેસ્ટિંગ કર્યું હતું. જ્યારે નાણાં મોકલનાર અધિકારીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી.

કેટલાક હોદ્દેદારો અને અધિકારીઓને મારા ફોટાવાળા અજાણ્યા નંબરથી મેસેજ આવ્યા છે, તેવું જાણવા મળ્યું છે. આ હું નથી, ફ્રોડ લોકો છે. આવા લોકોને રૂપિયા આપવા નહિ. ઓટીપી અને પાસવર્ડ શેર ન કરશો. મારા ધ્યાને આ બાબત આવતાં જ આ અંગે પોલીસને જાણ કરી છે. જાણ કર્યા બાદ સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની ફોટો લગાવી દેવામાં આવ્યો છે અને ફ્રોડ થવાની શક્યતા હોય મેયર કેયુર રોકડિયાએ સુરત મેયરને પણ સજાગ રહેવા જાણકારી આપી હતી.

મેયરના ફોટાવાળુ ફેક આઈડીથી અધિકારીઓ પાસે એક લાખ રૂપિયા amazon વાઉચર ખરીદવા માટે માંગવામાં આવ્યા હતા. બાદ પચાસ હજારના રકમ રીફર લેવામાં આવી છે. અરે બીજી કાર્યવાહી હાલ ચાલી રહી છે ત્યારે બીજી તરફ સુરતના મ્યુનિસિપલ કમિશનરને પણ આ રીતનો મેસેજ મળ્યો હતો. સુરત મ્યુનિસિપલ કમિશનર અને વડોદરાના મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર જીગ્નેશ ગોહિલને કરવામાં આવેલ મેસેજ એક જ આઈડીથી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.

હાલ ફેક આઈડી ઓપરેટ કરનારનું લોકેશન મધ્યપ્રદેશથી બતાવી રહ્યું છે, પણ બીજા પ્રાથમિક તારણ બાદ તપાસ અર્થે પોલીસને મોકલવામાં આવશે. હાલ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જીજ્ઞેશ ગોહિલએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હોવાનું સાઇબર ક્રાઇમ એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું હતું.

(5:54 pm IST)