Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

અમદાવાદમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર સ્‍કુલના બોર્ડના વિદ્યાર્થીઓને કોર્પોરેશન તંત્ર મોબાઇલ ભેટ આપશેઃ પ્રારંભે 5400 વિદ્યાર્થીઓને લાભ મળશે

નવા શૈક્ષણિક સત્રથી અમલ કરાશેઃ વિતરણ વ્‍યવસ્‍થાની મંજૂરીની પ્રક્રિયા આખરી તબક્કામાં

અમદાવાદઃ AMC સંચાલિત સ્‍કૂલ બોર્ડના અનાથ વિદ્યાર્થીઓને આગામી શૈક્ષણિક સત્રથી મોબાઇલ અપાશે. 5400 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રારંભિક યોજના માટે આવરી લેવાશે. વિતરણ વ્‍યવસ્‍થાની મંજૂરીની પ્રકિયા આખરી તબક્કામાં છે.

આગામી શૈક્ષણિક સત્રથી AMC સંચાલિત સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને હવે મોબાઈલ અપાશે. AMC સંચાલિત શહેરની 443 સ્કૂલમાંથી કેટલાક જરૂરિયાતમંદ બાળકોને ચિન્હિત કરી બાળકોને મોબાઈલ આપવામાં આવશે. AMC સંચાલિત સ્કૂલના 5400 જરૂરિયાતમંદ બાળકોને પ્રારંભિક યોજના માટે ચિન્હિત કરાયા છે.

AMC સંચાલિત સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓમાં જે બાળકે પોતાના માતા - પિતાની છત્રછાયા ગુમાવી હોય એવા બાળકોને પ્રારંભિક ધોરણે યોજના અંતર્ગત લાભાર્થી તરીકે પ્રથમ સમાવેશ કરાશે. મોબાઈલ વિતરણ માટે મંજૂરીની પ્રક્રિયા આખરી તબક્કામાં પહોંચી ગઈ હોવાની માહિતી મળી છે. સ્કૂલ બોર્ડ દ્વારા ગરીબ અને શિક્ષણથી વંચિત રહી જતા બાળકોના અભ્યાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી મોબાઈલ વિતરણનું આયોજન કરાઈ રહ્યું છે. કોરોનાકાળ દરમિયાન અનેક ગરીબ વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહ્યા હતા. એવામાં AMC સ્કૂલ બોર્ડ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરાશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ના રહે એ માટે અનોખી પહેલ શરૂ કરાઈ હતી. જેમાં કોરોનામાં ઓનલાઈન શિક્ષણ મજબૂરી બની હતી, એવામાં મોબાઈલ, ઈન્ટરનેટ જેવી સુવિધા ના હોય એવા વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં ખાસ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. ઘરમાં એકથી વધુ બાળક હોય, એક જ મોબાઈલ હોય, એ પણ પિતા સાથે લઈ જતા હોય ત્યારે અનેક વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી જતા હોય છે. ત્યારે આવા બાળકોનું શિક્ષણ ના બગડે તેની કાળજી લેવાની પહેલ કરાઈ હતી અને જુદા જુદા વિસ્તારોમાં ગરીબ બાળકોને અભ્યાસ આપવાની પહેલ કરવામાં આવી હતી.

(5:53 pm IST)