Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સુરત મહાનગરપાલિકા દ્વારા એક જ જગ્‍યાએ વાનગીઓનો રસથાળ એક જ જગ્‍યાએ મળી રહે તે માટે ‘ઇન્‍દોર-56' જેવી વ્‍યવસ્‍થા કરાશે

ત્રિદિવસીય સ્‍માર્ટ સિટીઝ સમિટમાં વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા

સુરતઃ સુરતની તમામ જાણીતી વાનગીઓની મજા લોકો એક જ જગ્‍યાએ લઇ શકે તે માટે કોર્પોરેશન દ્વારા ‘ઇન્‍દોર 56' બનવા જઇ રહ્યુ છે. ત્રિદિવસીય સ્‍માર્ટ સિટીઝ સમિટમાં ચર્ચા-વિચારણા બાદ ઇન્‍દોરનો કોન્‍સેપ્‍ટ નક્કી કરાયો છે.

કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ... આ કહેવત ખાસ સુરતી જમણ માટે પડી છે. કારણકે સુરત જેવું જમણ ક્યાંય નથી મળતું. એટલે જ તો બહારથી આવતા લોકો સુરતી ખાવાનું ચૂકતા નથી. જો કે હવે વિદેશથી કે બહારગામથી સુરત ફરવા આવતા લોકો માટે હવે સુરતી વાનગીઓનો ચટાકો માણવા અલગ અલગ જગ્યાએ નહિ જવું પડે. કારણકે સ્માર્ટ સીટી અંતર્ગત મનપા એક અલગ વ્યવસ્થા કરી રહી છે. આ વ્યવસ્થા અંતર્ગત સુરત મનપા શહેરમાં એક એવી જગ્યા શોધી રહી છે જ્યાં સુરતની તમામ જાણીતી વાનગીઓ ખાણીપીણી માટે ઉપલબ્ધ હોય.

હાલ જ સુરત ખાતે દેશની સૌપ્રથમ ત્રિદિવસીય સ્માર્ટ સિટિસ સમિટ યોજાઈ. જેમાં દેશના અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોના પ્રતિનિધિઓ આવ્યા હતાં. આ સમિટમાં ખાસ કરીને દેશના અન્ય સ્માર્ટ સિટિની યોજનાઓ પર ચર્ચા વિચારણા બાદ તેનું એડોપ્ટેશન કરવા અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા ઇન્દોરમાં બનાવવામાં આવેલ "ઇન્દોર 56" ના કોન્સેપટને એડોપ્ટ કરવા અંગેની પહેલ કરવાં આવી હતી.

આ કન્સેપ્ટ ઇન્દોર શહેર દ્વારા તેમના શહેરની 56 જેટલી અલગ અલગ ફેમસ વાનગીઓ એકજ જગ્યાએ મળે તેવું આયોજન સ્માર્ટ સીટી મિશન હેઠળ કરાયું હતું. જે સુરત મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓને પસંદ આવતા તેમણે કોન્સેપટ એડોપ્ટ કરવાનું નક્કી કર્યું છે. ઇન્દોરએ આ કન્સેપ્ટમાં શહેરમાં જ્યાં ગીચ દુકાનો આવી હતી તે જગ્યાને ડિમોલિશન કર્યા બાદ ત્યાં નવી દુકાનોનું આયોજન કર્યું હતું.

તે તમામ દુકાનોમાં ઇન્દોરની પ્રખ્યાત 56 જેટલી વાનગીઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરત મનપા પણ હવે શહેરમાં એવી જ કોઈ જગ્યા શોધી રહી છે. જ્યાં સુરતની ફેમસ વાનગીઓ જેવી કે લોચો, ઘારી, આલુપુરી સહિત ઘણી બધી અન્ય વેરાયટીસ એક જગ્યાએ મળી શકે.

(5:44 pm IST)